ખરીદેલી કાર પરત આપી દીધા બાદ અરબાઝે છ લાખની પઠાણી ઉઘરાણી કરતા યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ
Rajkot,તા.18
શહેરના રઘુવીર સોસાયટીમાં અને આજીડેમ ચોકડી પાસે અલગ અલગ બે યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. બંને યુવકને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, રઘુવીર સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ કૃષ્ણરાજસિંહ જેઠવા (ઉ.વ. ૨૧) ખોખડદળ ગામ ખાતે ફિનાઈલ ગટગટાવી લીધું હતું. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, દિવ્યરાજસિંહે અરબાઝ સુમરા નામના શખ્સ પાસેથી રૂ. ૧.૬૫ લાખમાં સ્કોર્પિયો ખરીદી હતી. ત્યારબાદ આ ગાડી પરત આપી દેવામાં આવી હતી, અરબાઝે મૂળ રકમ પરત આપી ન હતી. એટલું જ નહીં, તેના બદલે રૂ. ૬ લાખની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ માનસિક ત્રાસથી કંટાળીને યુવાને આત્મઘાતી પગલું ભર્યું હોવાના આક્ષેપો થયા છે. બીજા બનાવમાં, આજીડેમ ચોકડી પાસે આવેલા ભારતનગરમાં રહેતી રહેમતબેન સાજીદભાઈ બેલીમ (ઉ.વ. ૩૦)એ આજીડેમ ખાતે આવેલા બગીચામાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી અસરના કારણે પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રહેમતબેન પાસે તેમની જ માસીની દીકરી રજૂબેને ચડત મકાન ભાડાના રૂ. ૮,૦૦૦ની ઉઘરાણી કરી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને રજૂબેને પરિણીતાને ધમકી આપી હતી. આ ઉઘરાણી અને ધમકીથી આઘાતમાં પરિણીતાએ બગીચામાં જઈને પગલું ભરી લીધું હતું. ઉપરોક્ત બંને બનાવો અંગે સ્થાનિક પોલીસે નોંધ કરીને હોસ્પિટલે દોડી જઈ ભોગ બનનારાઓના નિવેદનો લેવાની તજવીજ શરૂ કરી છે .

