આર.કે. યુનિ.ની હોસ્ટેલમાં પ્રેમ પ્રકરણમાં છાત્રનો આપઘાત, પરિવારમાં શોક
Rajkot,તા.18
શહેરના ગાંધીગ્રામ અને ત્રંબા પાસે બે અલગ અલગ આપઘાતના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમાં ગાંધીગ્રામ વિસ્તારમાં પાંચ માસનો ગર્ભ ધરાવતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર રસોડામાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે, જ્યારે ત્રંબા પાસે આવેલી આર.કે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં પ્રેમ પ્રકરણના મામલે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા બંને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા અક્ષરનગર શેરી નંબર-૩, લાખના બંગલા પાસે રહેતા કવિબેન હેમંતભાઈ ચેતરિયા (ઉ.વ. ૨૮) નામના પરિણીતાએ બપોરના સમયે પોતાના ઘરે રસોડામાં પંખા સાથે કપડાં સૂકવવાની દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. મૃતક કવિબેનને પાંચ માસનો ગર્ભ હતો અને સંતાનમાં એક નાની દીકરી છે. તેમના પતિ હેમંતભાઈ ખાનગી બેંકમાં નોકરી કરે છે. પ્રાથમિક માહિતી મુજબ, કવિબેનને આણંદ ખાતે પોતાના ભાઈના ઘરે જવું હોવાથી પતિ હેમંતભાઈ બસની ટિકિટ બુક કરાવવા બહાર ગયા હતા. તેઓ જ્યારે ટિકિટ બુક કરાવીને ઘરે પરત ફર્યા ત્યારે રસોડામાં પત્નીને લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પરિણીતાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ પી.બી. પટેલ સહિતના સ્ટાફે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી ઘટનામાં, ભાવનગર રોડ પર ત્રંબા પાસે આવેલી આર.કે. યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા આયુષ રૂસ્તમ દરાડે (ઉ ૨૨)એ હોસ્ટેલના રૂમમાં પંખા સાથે ઓછાડ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. મૃતક વિદ્યાર્થી મૂળ મહારાષ્ટ્રના પુણેનો વતની હતો. હોસ્ટેલના રૂમ પાસેથી પસાર થતા અન્ય વિદ્યાર્થીઓની નજર પડતાં જ તેમણે દેકારો મચાવ્યો હતો, જેથી હોસ્ટેલ સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આયુષને તેની સાથે જ અભ્યાસ કરતી એક યુવતી સાથે મિત્રતા હતી, પરંતુ બે દિવસ પહેલાં જ બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ બાબતનું મનમાં લાગી આવતા આયુષે આ અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે પુણે સ્થિત તેના પરિવારને જાણ કરતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે.

