Rajkot તા.19
ગઈકાલે પી.ડી.માલવીયા કોલેજ નજીક અટીકા ફાટક પાસે રાત્રે અજાણી સગીરા ટ્રેનની ઠોકરે ચડતા પોલીસ દોડી ગઈ હતી. તપાસ કરતા સગીરાની ઓળખ દિવ્યા તરીકે થઈ હતી.
ભાગ લેવા માટે પિતાએ પૈસા ન આપતા 14 વર્ષની દિવ્યા ઘરેથી નીકળી ગઈ હતી અને બાદમાં ટ્રેનની ઠોકરે ચડી જતા મોત નીપજ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે 8 વાગ્યાં આસપાસ ભક્તિનગર રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્ટર એ.કે. પચોરીએ ભક્તિનગર રેલ્વે આઉટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એ.એસ.આઇ. હર્ષદભાઈને જાણ કરી હતી કે, એક અજાણી 13થી 14 વર્ષની સગીરા પી.ડી.માલવિયા ફાટક રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે માલગાડી ટ્રેનની હડફેટે આવી જતા બેભાન હાલતમાં પડેલ છે.
તેણીને હાથે પગે ઇજા છે. બેભાન પડેલ છે. 108 ઈએમટી યાસીનભાઇ દલએ જોઇ તપાસી સગીરાને મૃત જાહેર કરેલ છે. એ.એસ.આઇ. હર્ષદભાઈએ માલવયા નગર પોલીસને જાણ કરતા એ.એસ.આઇ. એચ.ટી.પરમાર ટીમ સાથે દોડી ગયા હતા. મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. સગીરાના માતા પિતાની શોધખોળ કરવામાં આવી હતી. દરમિયાન સગીરાના પરિવારજનો મળી આવ્યા હતા અને સગીરાની ઓળખ દિવ્યા ઉજિતભાઈ ચૌહાણ (ઉ.વ.14, રહે.કોઠારીયા સોલવન્ટ, 25 વારિયા ક્વાર્ટર, રાજકોટ) તરીકે કરવામાં આવી હતી.
દિવ્યા બે ભાઈઓને એક બહેનમાં નાની હતી. તેના પિતા ઉજિતભાઈ મજૂરી કામ કરે છે, ગઈકાલે સાંજે દિવ્યા પિતા પાસેથી ભાગના પૈસા લઈને ઘરેથી નીકળી હતી. બધા પૈસા વાપરીને તે ઘરે આવી હતી.
અને ફરીથી પિતા પાસે ભાગના પૈસા માંગ્યા હતા. જોકે પિતાએ પૈસા આપવાની ના પાડી દીધી હતી. પછી દિવ્યા ઘરેથી નીકળી ગઈ હતી. એવું અનુમાન છે કે દિવ્યા ટ્રેનના પાટા પાસે ચાલીને જઈ રહી હતી ત્યારે પાટા ઓળંગતી વખતે હેડફેટે ચડી ગઈ હતી. સગીરાના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.

