ફાલ્ગુની વસાવડા
ઈઝરાયેલ અને ઈરાન તેમજ યુક્રેન અને રશિયા સાથેનાં યુદ્ધનો અંત આવ્યો નથી, અને કોણ જાણે કેટલાંયનાં જીવ જશે! તો કેન્યામાં ઓચિંતી આગ ફાટી નીકળી અને 16 વિદ્યાર્થીનીઓ મૃત્યુ પામી! ઉપરાંત અત્યારે જે રીતે તાપમાનનો પારો ઉંચો ચડે છે, એ પ્રકૃતિનું બંડ પણ જોખમી! ચોમાસામાં અતિ વૃષ્ટિ, અથવા અકાલ! શિયાળામાં વિદેશમાં બરફના તોફાન! પાછાં વિશ્વમાં ઇબોલા વાઇરસની એન્ટ્રી નાં સમાચાર પણ છે, એટલે આમ ક્યાંક વેર વશ, ક્યાંક કુદરતી કોપ, તો ક્યાંક અકસ્માત, તો રોગવશ, આમ મૃત્યુ ચારેકોરથી માનવીનો પીછો કરી રહ્યું છે. તોય માનવી બહારનાં દુશ્મનોથી પોતાની જાતનું રક્ષણ કરી શકે! કે ભાઈ યુદ્ધના સ્થળે ન જવું, અકસ્માત થાય નહીં એની કાળજી રાખવી, રોગ માટે પણ દવા દ્વારા જાતને બચાવવી! પરંતુ માનવી ખુદ જ્યારે ખુદનો દુશ્મન બને ત્યારે કેમ બચી શકે! આજકાલની જનરેશન જે રીતે તમાકુ, સિગારેટ, ડ્રગ્સ, અને દારુનો ઉપયોગ કરે છે! એનાથી આજની પેઢીની આવતીકાલ બહુ ભયંકર દેખાય છે! આજે 31/5 એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિન છે, એને ઉજવવાનું કારણ, ખાસ કરીને યુવા પેઢી આ તમાકુ જેવા વ્યસન થી દૂર રહીને, પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.
1987 માં “ડબલ્યુ એચ ઓ” એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાનાં સભ્ય રાષ્ટ્રો દ્વારા તમાકુ નિષેધ દિન ઉજવવાનું શરૂ થયું! આ દિવસ ઉજવવા પાછળ તમાકુ અને તેની નકારાત્મક અસરથી યુવા પેઢીને બચાવવાનું, તેમજ તમાકુનું સેવન કરનારા માટે તેનાથી થતાં રોગો અને કેન્સર જેવા જીવલેણ રોગથી બચી શકાય છે! એ વિશે જાગૃત કરવાનું છે. તમાકુ નિષેધ દિનની ઉજવણી અને તેના થકી ચાલતી જાગૃતિ ઝુંબેશની સકારાત્મક અસરને કારણે વૈશ્વિક તમાકુનો વપરાશ ઘટી ગયો છે. પરંતુ 2000 થી 2025 સુધીમાં તમાકુનું ઉત્પાદન અને વપરાશમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું છે! વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વે મુજબ પહેલાં પ્રૌઢ લોકો જ તમાકુનું સેવન કરતાં હતાં, જેનો વપરાશ 33% હતો, જે આજે ઘટીને હવે 19 થી 20% જેટલો છે, એક તૃતિયાંશ જેટલો ઘટાડો નોંધાયો છે.આ ઘટાડો ગંભીર રોગ પ્રત્યે આરોગ્ય જાગૃતિ, ઉપરાંત બસ, ટ્રેન, પ્લેન, ઉપરાંત ઘણી જાહેર જગ્યાએ સ્મોકિંગ પર પ્રતિબંધ, આવી પ્રોડક્ટ પર દિવસે વધતાં ટેક્સ, તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા વ્યસન મુક્તિ કેન્દ્ર અને તેની સેવાનું કારણ મુખ્ય છે.પરંતુ બીજું તારણ એ પણ છે કે વિશ્વની વસ્તી દિન પ્રતિદિન વધતી જાય છે, એ હિસાબે કુલ વપરાશકર્તાઓ હજુ પણ લગભગ 1.3 અબજ લોકો તમાકુ વાપરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનાં સર્વે મુજબ લગભગ 80% લોકો નીચી અને મધ્યમ આવકવાળા છે.એશિયા અને આફ્રિકામાં તમાકુનાં હજુ પણ મોટા બજારો છે. ઉત્પાદનની રીતે જોઈએ તો વૈશ્વિક કાચા તમાકુનું ઉત્પાદન 2013 પછી સતત ઘટ્યું, 2013, 7.5 મિલિયન ટન, જ્યારે 2023 માં 6 મિલિયન ટન, એટલે કે લગભગ 20% ઘટાડો થયો. ચીન અને ભારત તમાકુનાં ઉત્પાદક અને વપરાશનાં સૌથી મોટા ક્ષેત્ર રહ્યાં.
તમાકુની મુખ્ય પ્રોડક્ટ સિગારેટ છે,અને દુનિયાનાં લગભગ અડધા ઉપરનાં લોકો સિગારેટ વાપરે છે, દર વર્ષે 2.4 ટ્રિલિયન સિગારેટ વેચાય છે. આ ઉપરાંત ગુટકા,ખૈની, બીડી અને ચ્વિગમ ટોબેકોનો, તેમજ ધૂમાડા રહિત સિગારેટનો વપરાશ પણ વધ્યો છે, અને ઈ સિગારેટનું ચલણ વિદ્યાર્થીઓમાં વધતું જાય છે! વિશ્વમાં 100 મિલિયન ઉપર લોકો ઈ સિગારેટનો ઉપયોગ કરે છે, જે જોખમ કારક છે.
તમાકુ શરીરનાં લગભગ દરેક અંગને નુકસાન પહોંચાડે છે. તમાકુથી થતા મુખ્ય રોગોમાં કેન્સર મુખ્ય છે. ખાસ કરીને ફેફસાંનું કેન્સર, મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર, જીભ અને હોઠનું કેન્સર
ખોરાકની નળીનું કેન્સર, મૂત્રાશયનું કેન્સર. ભારતમાં ગુટકા અને ચ્વિગમથી મોઢાનું કેન્સર વધુ થાય છે. આ ઉપરાંત તમાકુ રક્ત નળીઓ સંકોચે છે,બ્લડ પ્રેશર વધારે છે,હાર્ટ એટેકનું જોખમ વધારે છે. બ્લડ ક્લોટ વધે છે. સ્મોકિંગ થી ફેફસાંનાં રોગ, જેમાં અસ્થમાનું પ્રમાણ ઘણું વધી ગયું છે, એટલે કે સતત ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ,છાતીમાં ભાર. તમાકુ ચાવવાથી દાંત પીળા પડે, મોઢામાં ચાંદા પડવા, મસૂડા ખરાબ થાય, મોઢું ઓછું ખૂલવું, આગળ જઈને કેન્સર બની શકે. ગર્ભવતી સ્ત્રી તમાકુનું સેવન કરે તો બાળકનું વજન ઓછું થાય.સમય પહેલાં જન્મ ,અથવા ગર્ભપાત, બાળકના ફેફસાં નબળા રહે. ડાયાબિટીસનું જોખમ વધારે છે, શરીરની રુઝાવાની પ્રક્રિયા ધીમી કરે છે, અને સ્વાસ્થ્ય શક્તિ ઘટાડે છે. દર વર્ષે લગભગ 80 લાખ લોકો તમાકુ સંબંધિત કારણોથી મૃત્યુ પામે છે. આ વિશ્લેષણ બતાવે છે કે, તમાકુ આવાં અનેક જીવલેણ રોગોનું મુખ્ય કારણ છે. એટલે તમાકુનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરવો નહીં.
પરંતુ તમાકુ કે કોઈપણ પ્રકારનું વ્યસન આખરે માનવી કરે છે શું કામ? પહેલાં રાજાઓ અથવા જમીનદારને શોખ માટે હુક્કો અથવા ચલમનું વ્યસન હતું! એમાં પણ આમન્યા જેવું હતું બાપ ની સામે દિકરો હુક્કો કે ચલમ પીવે નહીં! જ્યારે સામાન્ય શ્રમજીવી વયસ્ક બીડી કે ગુટકાનું વ્યસન કરતાં! પરંતુ આજે સિગારેટ કે અન્ય વ્યસન, ફેશન કે સ્ટેટ્સ બની ગયું છે, અથવા તો સતત સ્પર્ધાને લીધે ડિપ્રેશનનો શિકાર બનેલાં વ્યસન કરે છે, કે કદાચ સાતમા આસમાનની ફેન્ટસી થાય છે કે નહીં એ માટે! હકીકતમાં તમાકુ કે અને ડ્રગ્સ જ્ઞાનતંતુઓને ઉત્તેજીત કરનાર હોય છે, પણ વારંવાર ઉપયોગ થાય તો પછી જ્ઞાનતંતુઓ શિથિલ થવાની શક્યતા પણ રહે છે. આટલાં ગંભીર રોગ થતાં હોવા છતાં, પ્રોડક્ટનાં પેકિંગ પર સાવ નાનાં અક્ષરે ચેતવણી લખી હોય છે! એ તંત્રની ખામી કહેવાય. પણ આશ્ચર્ય તો ત્યાં છે કે, આજનો સાક્ષર અને બૌદ્ધિક સમાજ છતાં પણ એનો બેફામ ઉપયોગ કરે છે. પુરુષોની બરોબરી કરવાં નીકળેલી સ્ત્રીઓ પણ વ્યસની થતી જાય છે. બીજું એક કારણ એ પણ હોય શકે, કે આજે જીવનનો કોઈ ભરોસો નથી, આવતીકાલે કદાચ ન હોઈએ, એટલે મોજ મજા કરી લેવી! એવું પણ બને.
દરેક યુગમાં વ્યસન જોવાં મળ્યું, અને એનું પરિણામ વિનાશ! હિરણ્યકશિપુ, રાવણ, કુંભકર્ણ, મહિષાસુર, તારકાસુર, વગેરેનાં તામસી ગુણોનું વ્યસન હતું. દ્વાપરયુગમાં કૌરવો પાંડવની ધૃતક્રિડા અને મદિરાનો ઉલ્લેખ છે. કળિયુગનાં પ્રારંભે લોકો સ્વર્ગની અભિલાષા જ એટલે રાખતાં કે ત્યાં પહોંચીએ, એટલે સૂર એટલે દેવ થઈ જવાય અને દેવતાઓના મનોરંજન માટે સૂરા અને સુંદરી એટલે કે અપ્સરાઓ હોય! વ્યસન એ પહેલાં તો ધનવાનનો શોખ ગણાતો! અને મોટેભાગે પુરૂષો જ એનાં આદિ હોય! વ્યસનમાં પણ તમાકુ અને અમુક પ્રકારની શરાબ! તમાકુ જે હુક્કા ચલમ સિગારેટ કે બીડી રુપે હોય! અથવા તો પાનનાં મસાલા તરીકે વપરાતી, આજે જે ડ્રગ્સ બજાર ઉભુ થયું છે, એટલું તો હતું જ નહીં! પછી પણ બ્રાઉન સુગર, કોકેન, અને વધીને ભાંગ અને અફીણ ચરસ, ગાંજો! વ્યસનમાં આજ જેટલી વેરાયટી પહેલાં નહોતી. આપણે આશા રાખીએ કે આજની યુવાપેઢી વિશ્વ તમાકુ નિષેધ દિને તમાકુનું સેવન નહીં કરે, એવો સંકલ્પ કરી જીવે. જય હિન્દ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

