કારખાનામાં પતરાની સાફ-સફાઈ કરતી વખતે સંતુલન ગુમાવતા સર્જાઈ દુર્ઘટના, પરિવારમાં શોક
( હરપલસિંહ જાડેજા દ્વારા)
Rajkot, તા,02
શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કારખાનામાં કામ દરમિયાન શ્રમિક ૨૦ ફૂટ જેટલી ઊંચાઈએથી નીચે પટકાતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ બિહારના વતની અને હાલ શાપર વેરાવળમાં આવેલી “સાઇનિંગ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ” કારખાનામાં કામ કરતા અજીતકુમાર મનોજભાઈ યાદવ(ઉં ૩૫) ગત ૩૧ મે ના સવારે ૧૦:૦૦ વાગ્યાની આસપાસ અંદાજે ૨૦ ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલા પતરા પર સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યારે અચનાક કોઈ કારણોસર સંતુલન ગુમાવતા તેઓ અચાનક નીચે પટકાયા હતા, જેને લઈ ફેક્ટરીના અન્ય કામદારો અને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
લોહીલુહાણ અને ગંભીર હાલતમાં અજીતકુમારને તાબડતોબ સારવાર અર્થે Rajkot ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન જ તેમણે દમ તોડી દીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક અજિતકુમાર ત્રણ ભાઈ અને ત્રણ બહેનોમાં સૌથી મોટા હતા અને કારખાનામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. કમાઉ દીકરાના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

