ફાલ્ગુની વસાવડા
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ઈશ્વરનું એક સ્વરૂપ માયા છે, અને આ માયા ની લીલાનો વિસ્તાર જેટલો વધું, એટલાં આપણે વધુ ભોગી અથવા સંસારી! પણ અમુક વાતો આપણાં હાથમાં નથી હોતી! એમ આ માયાની લીલાને સમજાવી એ બહુ અઘરું છે! છતાં એનું થોડું વિશ્લેષણ કરી શકાય. સંપત્તિ માટે લોભ લાલચ પ્રેરિત સંઘર્ષ, કે યુદ્ધ, વસ્તુની કામના પ્રેરિત મોહ ! સંબંધોની લાગણીની વાત કરીએ તો હમ ઉમ્ર તરફ થાય એ મૈત્રી, પ્રીતિ કે પ્રેમ, અથવા તો માત્ર આકર્ષણ પણ હોય! અને માતા પિતાને સંતાનો વચ્ચેની લાગણી મમતા, અને વડીલો નાના બાળકો ઉપર વ્હાલ વરસાવે, આ બધાં માયાના બંધન છે,પરંતુ હદમાં હોય ત્યાં સુધી એ બંધન પતનનું કારણ બનતું નથી! કારણ કે આખરે માયા છે, તો ઈશ્વરનું જ સ્વરૂપ! પણ માનવી જ્યારે હદ વટાવે ત્યારે એ જાણે અજાણે વિનાશને નોતરે છે. માતા માટે પોતાનાં બધાં જ સંતાનો સમાન હોય છે! પણ મા એક એવું ચરિત્ર છે, જેને પોતાના સંતાનની ઉંમરના બધાં જ બાળકો તરફ પણ મમતા વહે,પણ મા ની મમતા ક્યારેક પક્ષપાત કરાવી જાય છે! અને એ ભેદ કરે છે. દાખલા તરીકે પહેલા રાજાઓ એક કરતાં વધુ રાણીઓ રાખતાં! અને એમનાં સંતાનો વચ્ચે રાજગાદી માટે હોડ લાગે, અને માતા પોતાનાં જ સંતાનને ગાદી મળે એ માટે ષડયંત્ર પણ રચતી દેખાય. જેમ કે રામાયણમાં કૈકેયી એ વચનનો દાવ ખેલ્યો એવું કંઈક! આજે સોમવારે ચરિત્રની ઓળખ! તો આજે આપણે કુરુ વંશનાં જ્યેષ્ઠ પુત્ર ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી વિશે ચિંતન કરીશું.
આમ તો ગાંધારી વિશે લગભગ બધાને જાણ હોય જ, કારણ કે ગાંધારી મહાભારતનું એક અતિ મહત્વનું પાત્ર છે, અથવા તો એમ કહો કે એની મમતાને કારણે જ મહાભારતનું યુદ્ધ થયું. તે ગાંધારની રાજકુમારી હતી,અને હસ્તિનાપુરના અંધ રાજા ધૃતરાષ્ટ્રની પત્ની અને સો કૌરવોની માતા હતી. ગાંધાર એટલે આજનાં અફઘાનિસ્તાનનું કંદહાર! ગાંધારીનો જન્મ ગાંધારનાં રાજા સુબાલા અને સુધર્માને ત્યાં થયો હતો. ગાંધારની રાજકુમારી હોવાથી તેઓ ગાંધારી કહેવાયા. એક કુમારિકા તરીકે, ગાંધારી તેની ધર્મનિષ્ઠા અને સદ્ગુણી સ્વભાવ માટે જાણીતી હતી. ગાંધારીને દેવી મતિનો અવતાર માનવામાં આવે છે. મહાભારતમાં ધૃત ક્રિડાનાં પાસાં નાખવામાં અવ્વલ એવાં શકુનીની નાની બહેન હતી, અને બંને વચ્ચે ઘણો સ્નેહ હતો. ગાંધારી એ ભગવાન શિવનું તપ કર્યું હતું! અને વેદ વ્યાસને પણ પોતાનાં તપથી પ્રભાવિત કરી એમણે કુમારિકા અવસ્થામાં 100 પુત્રોને જન્મ આપવાનું વરદાન મેળવ્યું હતું. ધૃતરાષ્ટ્ર જે અંધ હોવાથી આ કુરુ વંશનાં રાજા માટે રાણી શોધવાનો કાર્યભાર ભિષ્મ પર આવ્યો! અને આ વરદાનને કારણે કુરુ વંશને વારસદાર ની કમી નહીં રહે એવું વિચારીને તેમણે ગાંધારી પર પસંદગી ઉતારી હતી. કહેવાય છે કે બહેનને વિદાય આપવા ભાઈ શકુની પણ હસ્તિનાપુર આવ્યો હતો, અને જ્યારે જાણ્યું કે એની લાડલી બહેન ગાંધારીનાં એક અંધ સાથે લગ્ન થયાં છે! અને પાછો એ રાજા પણ નથી! ત્યારે એમણે ગાંધારીને પાછાં લઈ જવાની વાત કરી હતી.
પરંતુ જ્યારે ગાંધારીને જાણ થઈ કે, એનાં પતિદેવ આંખે જોઈ શકતાં નથી! ત્યારે એ પતિવ્રતા પત્નીએ તરત જ આંખે પટ્ટી બાંધી દીધી, અને પતિ પારાયણનાં સંસ્કાર માટે દેખતી દ્રષ્ટિને અંધારું પ્રદાન કર્યું! ગાંધારી ગર્ભવતી બન્યાં, અને લગભગ બે વર્ષ ઉપરનો સમય ગાળો ચાલ્યો ગયો, છતાં એમને પ્રસૃતિ થઈ નહીં. જ્યારે પાંડુની પત્ની કુંતી એ યુધિષ્ઠિરને જન્મ આપ્યો! અને એમણે પોતાનાં પેટ પર જોરજોરથી પ્રહારો કર્યા, અને પેટ માંથી એક લોખંડના ગોળા જેવો કઠણ ગઠ્ઠાનો જન્મ થયો. કુરુ વંશનાં વડીલો માંસના ગઠ્ઠાનો ત્યાગ કરવાની તૈયારીમાં જ હતાં, કે તરત જ વેદવ્યાસ ત્યાં આવી પહોંચ્યા. ગાંધારીએ વેદ વ્યાસ સમક્ષ કુંતી પ્રત્યેની ઈર્ષ્યાનો સ્વીકાર કર્યો, અને તેમણે આપેલા વરદાન વિશે ફરિયાદ કરી. વેદ વ્યાસે તેને ખાતરી આપી કે તે સો પુત્રોની માતા બનશે, અને કહ્યું કે માખણથી ભરેલાં સો ઘડા તાત્કાલિક લાવવામાં આવે, અને એમાં ગઠ્ઠામાંથી સો ભાગ કરીને કોઈ ગુપ્ત જગ્યાએ મૂકવામાં આવે. પરંતુ જ્યારે ગાંધારીને એક પુત્રી પણ જોઈએ છે, ત્યારે સો માં ભાગને કાપવામાં આવ્યો, અને એને પણ ઘડામાં મુકી દીધો. માંસના આ ટુકડાઓ પાણીનાં છંટકાવથી એક મહિના દરમિયાન વિકાસ પામ્યાં અને ગાંધારીનાં સો પુત્રો અને પુત્રી દુશલાનો જન્મ થયો.
પોતાનાં પહેલાં પુત્ર દુર્યોધનના જન્મ થતાં બાળક ગધેડા જેમ રેંકવા લાગ્યું, હિંસક અવાજો થવા, અને દિશાઓમાં આગ લાગી, આમ ઘણાં અપશુકનો થયાં. ભયભીત ધૃતરાષ્ટ્રએ વિદુર, ભીષ્મ અને અનેક બ્રાહ્મણોને તેનાં પ્રથમ પુત્રને રાજગાદી મળશે કે નહીં ? એ માટે બોલાવ્યાં બ્રાહ્મણોએ અપશુકનોનું નિરીક્ષણ કરીને સૂચવ્યું કે બાળક કુરુ કુળનો વિનાશ કરી શકે છે, આથી રાજાને તેનાં પ્રથમ પુત્રનો ત્યાગ કરવાનું કહ્યું, પરંતુ પ્રથમ પુત્ર પ્રત્યેના પૈતૃક પ્રેમને કારણે તેણે આ સલાહ માની નહીં.
ગાંધારીનાં જીવનની બીજી ઘટના પણ બહુ જાણીતી છે કે, એને એનાં પતિવ્રતા ધર્મને કારણે વરદાન મળ્યું હતું કે કોઈ બિન વસ્ત્ર વ્યક્તિને પોતાની પટ્ટી ખોલી ફક્ત એક નજર જુવે, તો એ અમર થઈ જાય. ગાંધારી પોતાનાં પુત્રોનાં દુર્ગુણો જાણતી હતી, દ્રૌપદીનાં ચીર હરણથી પણ વાકેફ હતી, અને એ બધું છોડો બ્રાહ્મણો એ કરેલી ભવિષ્યવાણી પણ જાણતી હતી કે, આ પુત્ર તેનાં કુળનો નાશ કરશે, છતાં મમતા વશ એણે દુર્યોધનને એકાંતમાં બોલાવી નિર્વસ્ત્ર થવાં કહ્યું, અને એક નજર નાખી અમર બનાવવાની અકલ્યાણકારી ચેષ્ટા કરી! હાં પણ કૃષ્ણની સમજદારીને લીધે દુર્યોધન બચ્યો નહીં. યુદ્ધના પંદર વર્ષ પછી પોતાનાં પતિ અને કુંતી સાથે વન ગમન કર્યું અને ત્યાં જંગલની આગમાં મૃત્યુ થયું.
આજનાં સંદર્ભમાં ગાંધારીની જીવન યાત્રાનું વિશ્લેષણ કરીએ તો, ગાંધારીનાં જીવનની બે ભૂલને કારણે મહાભારતનું આ ભિષણ યુદ્ધ થયું!
પતિ અંધ હતા! અને પોતાને સો પુત્રોની માતા બનવું હતું તો, આંખે પટ્ટી બાંધવાની જરૂર નહોતી! પતિ અંધ છે ત્યારે તો ખાસ એ એનાં ઉછેર પ્રત્યે વધુ ધ્યાન આપી શક્યાં હોત! એમની દ્વેષ અને ઈર્ષા ભરી હરકતો જોઈને એમને સમયે વારી શક્યાં હોત, અને પોતાનાં પુત્રને ગાદી મળે તો જ એને આદર સન્માન મળશે! એવી ધારણા પણ ખોટી હતી! એનામાં ગુણ સંવર્ધન કરી શક્યાં હોત! એનો જ પુત્ર વિકર્ણ, કુંતી પાસે વધુ રહ્યો એટલે એ સ્વભાવે ક્રુર ન્હોતો, અને એણે દ્રૌપદી ચીર હરણ વખતે વિરોધ કર્યો હતો. બીજી ચેષ્ટા દુર્યોધનને અમર કરવાની! એની બદલે એ વરદાનનો ઉપયોગ અન્ય રીતે કરી શક્યાં હોત! આપણને એમ થાય કે વરદાન કેમ સફળ થયું નહીં! ભલે શ્રીકૃષ્ણનાં કહેવાથી દુર્યોધન કચ્છો પહેરીને ઉભો હતો! પણ જેની પાછળ કલ્યાણની ભાવના ન્હોય એ વરદાન ફળે નહીં. પરંતુ ઈશ્વર પણ અવતાર લઈ આવે તો એને પણ કર્મફળ ભોગવવું પડે છે, અને એમ યુદ્ધના અંતે ગાંધારીએ શ્રીકૃષ્ણને પોતાનાં પુત્રોનાં મૃત્યુ માટે જવાબદાર ઠેરવ્યાં અને એ શ્રાપ ફળ્યો! શ્રીકૃષ્ણની નજર સામે દુરાચારને લીધે યાદવ કુળનો નાશ થયો. ગાંધારી બધી જ રીતે સુંદર સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી, બસ મનમાં મેલી મમતા ન્હોત તો! કદાચ આજે ઈતિહાસ જુદો હોત. આપણાં સૌની સંસારી માયા પ્રેરિત મમતાનું બંધન, પતન તરફ જાય નહીં, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

