ગુસ્સો ન કરવા પરિવારે ટોકતા મનમાં લાગી આવતા પગલું ભર્યું હોવાનું સામે આવ્યું, પરિવારમાં શોક
(હરપલસિંહ જાડેજા દ્વારા)
Rajkot, તા,02
શહેરના પેડક રોડ પર આવેલી ગુજરાત સોસાયટીમાં ૩૨ વર્ષીય યુવાન વેપારીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. અવારનવાર ગુસ્સો ન કરવા બાબતે પરિવારજનોએ સમજાવતા લાગી આવવાને કારણે યુવાને આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત સોસાયટીમાં રહેતા કિશનભાઈ પ્રવીણભાઈ નડીયાત્રા (ઉં.વ. ૩૨) તેઓ દુકાનેથી પોતાના ઘરે જમવા માટે આવ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના રૂમમાં ગયા હતા અને અંદરથી દરવાજો બંધ કરી લીધો હતો. બપોરના સમયે કિશનભાઈના પત્ની પોતાની ૩ વર્ષની દીકરીને રૂમમાં ઘોડિયામાં સુવડાવવા માટે ગયા હતા.
દરવાજો ખોલતા જ પતિ કિશનભાઈને છતના હૂક સાથે લટકતી હાલતમાં જોતા જ સ્તબ્ધ થઈ ગયા હતા. પત્નીની ચીસાચીસ સાંભળી પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા. કિશનભાઈને તુરંત જ નીચે ઉતારી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક કિશનભાઈ બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાના હતા. તેમના આપઘાતથી ૩ વર્ષની માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કિશનભાઈને અવારનવાર ગુસ્સો આવી જતો હોવાથી પરિવારજનો તેમને શાંત રહેવા અને ગુસ્સો ન કરવા બાબતે સમજાવતા હતા. આ બાબતનું મનમાં લાગી આવતા તેમણે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

