Rajkot તા.19
હરિઘવા મેઈન રોડ પર ફરીયાદી કાર્તિકભાઈ રાઘવજીભાઈ ગાજીપરા ગત તા. 04/03/2019 ના રોજ બપોરના ત્રણેક વાગ્યે તેના અમુલ પાર્લર ખાતે હાજર હતા ત્યારે બાલાજી એન્ટરપ્રાઈઝ નામની એજન્સીના માણસ કરણભાઈ ભરવાડ સાથે થમ્સઅપની બોટલ રીપ્લેસ કરી આપવાની વાત કરેલ ત્યારે તેની સાથે બોલાચાલી થયેલ ત્યારબાદ રાત્રીના દસેક વાગ્યે કરણ ભરવાડ દુકાને આવેલ અને ફાકી ખાવાનું કહી સમાધાનના બહાને આહીર ચોક પાસે લઈ ગયેલ હતા.
જયા બીજા ત્રણ માણસો હાજર હોય તેઓ કાંઈ સમજે તે પહેલા જ આ કરણ અને તેની સાથેના માણસોએ માથાના ભાગે તલવારનો ઘા મારી દીધેલ અને સાથે રહેલ બીજા વ્યકિતઓએ લોખંડના પાઈપ તેમજ ધોકા વડે આડેધડ માર મારેલ. ફરીયાદીને માથાના ભાગે તેમજ બન્ને પગ તથા બન્ને હાથમાં ગંભીર ઈજાઓ થયેલ હતી. જે અંગે આરોપીઓ (1) કરણ ગોગાભાઈ ધોળકીયા, (2) ભાવિન નંદાભાઈ પરમાર, (3) અજય ગેલા ચાવડા, (4) વિવેક પ્રવિણભાઈ કારીયાની પોલીસે ધરપકડ કરી હતી. કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવેલું.
જે કેસ ચાલી જતા આ કામમાં ફરીયાદ પક્ષ તરફથી કુલ-17 સાહેદોને તપાસવામાં આવેલ તેમજ 6-ડોકયુમેન્ટરી પુરાવાઓ રજુ કરવામાં આવેલ આ કામમાં અતિ મહત્વના ગણતા સાહેદ એટલે કે ભોગ બનનાર ફરીયાદી તથા અન્ય સાહેદોએ કોર્ટ સમક્ષની જુબાનીમાં બનાવની હકીકતને સમર્થનકારીક જુબાની આપેલ પરંતુ બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલી ઉલ્ટ તપાસમાં બનાવથી વિપરીત હકીકત રેકર્ડ પર આવેલ.
બચાવ પક્ષ તરફે રોકાયેલા એડવોકેટએ કરેલ રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઈ આરોપીઓને કોર્ટના જજ એલ.એ.ખંડેલવાલએ તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમા આરોપી વતી એડવોકેટ જિજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ.જાદવ તથા મદદનીશમાં અભય ચાવડા, વિક્રમ કિહલા, સંજય મકવાણા, વિશાલ ડેડાણીયા રોકાયેલા હતા.

