New Delhiતા.27
દેશભરમાં અનેક રાજયોમાં વિવાદ સર્જનાર ચુંટણીપંચ દ્વારા કરવામાં આવેલી મતદાતા સુચી વિશેષ ગહન પુનઃ નિરીક્ષણ જેને SIR તરીકે ઓળખવામાં આવે છે તેને પડકારતી રીટ અરજી સુપ્રીમકોર્ટે ફગાવતા કહ્યું કે ચુંટણીપંચને SIRનો પુરો અધિકાર છે અને દેશમાં મુક્ત તથા નિષ્પક્ષ ચુંટણી માટે તે જરૂરી પણ છે.
આ સાથે જ SIR અંગેના તમામ વિવાદ પુરા થઈ જશે અને હવે દેશના બાકીના રાજયોમાં પણ ચુંટણીપંચ આ પ્રક્રિયા આગળ વધારશે. પશ્ચિમ બંગાળ તથા બિહારની ચુંટણીમાં SIRનો મુદો જબરો વિવાદી બન્યો હતો અને અનેક વખત તે મુદે સુપ્રીમકોર્ટમાં અલગ અલગ રીટ થઈ હતી તથા સર્વોચ્ચ અદાલતે પણ આ અંગે ચુંટણીપંચને અલગ અલગ સમયે અલગ અલગ નિર્દેશો આપ્યા હતા.
પરંતુ સમગ્ર SIR પ્રક્રિયાને પડકારતી રીટ અરજી પર જાન્યુઆરી માસમાં લાંબી સુનાવણી બાદ સુપ્રીમકોર્ટે ચુકાદો મુલત્વી રાખ્યો હતો જેમાં આજે મુખ્ય ન્યાયમૂર્તિ સુર્યકાંતની ખંડપીઠે ચુંટણીપંચને SIRમુદે આગળ વધતા લીલીઝંડી આપવાને પગલે તેની યોગ્યતાને પણ માન્ય રાખી છે.
ખંડપીઠે પોતાના ચુકાદામાં કહ્યું કે ચુંટણીપંચને SIRનો અધિકાર છે અને સમગ્ર પ્રક્રિયા બંધારણીય છે અને ચુંટણીપંચે પોતાની કોઈ શક્તિનો દુરુપયોગ કર્યો નથી કે નિયમથી બહાર જઈને મતદારોના નામ પણ કાપ્યા નથી.
સુપ્રીમકોર્ટની ખંડપીઠે સમગ્ર પ્રક્રિયાને બંધારણની કલમ 324 અને લોકપ્રતિનિધિ કાનૂન 1950 હેઠળ પંચને આ અધિકાર હોવાનું જણાવ્યું હતું અને એ દલીલ પણ ફગાવી દીધી હતી કે અગાઉ સર્વોચ્ચ અદાલતે SIR વિરુદ્ધ લાલ બાબુ હુસેન મામલામાં જે આદેશ આપ્યો હતો તેનું ઉલ્લંઘન કરે છે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે ભલે ચુંટણીપંચ એ નકકી ન કરી શકતુ હોય કે મતદાર ભારતીય નાગરિક છે કે કેમ પરંતુ મતદાતા સૂચીમાં નાગરિકતા સંબંધી સવાલોની તપાસ કરવાનો ચુંટણીપંચને અધિકાર છે.
એ ઉપરાંત જો કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં નામ દાખલ થવા માટે વૈધાનિક શરતો પુરી ન કરી શકે તો જે તે વ્યક્તિ ચુંટણીપંચના સક્ષમ અધિકારી પાસે જઈ શકે છે અને તેમાં અપીલ કરી શકે છે.
સમગ્ર પ્રકિયા ન્યાયીક સમીક્ષાને આધીનઃ મતદાર યાદીમાં નામ ન હોય તે દેશની નાગરિકતા ગુમાવતો નથીઃ સુપ્રીમ
સર્વોચ્ચ અદાલતે તેના આજના ચુકાદામાં અનેક મહત્વના નિરીક્ષણો પણ વ્યક્ત કર્યા છે જેમાં જણાવાયું છે કે આ પ્રકારની તપાસ મતદાર યાદીમાં નામ સામેલ કરવા કે ન કરવા તેટલી જ મર્યાદીત હશે.
ખાસ બાબત એ છે કે પુરી પ્રક્રિયા ન્યાયીક સમીક્ષાને આધીન છે અને ચુંટણીપંચની કાર્યવાહી નિષ્પક્ષ તથા તેના અધિકારની અંદર જ થઈ છે તે નિશ્ચિત કરાશે.
જો કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં શંકા હોય તો ચુંટણીપંચને નામ દાખલ કરવા કે દુર કરવાનો પુરો અધિકાર રહેશે. પરંતુ તેનાથી એ સાબીત નહી થાય કે તે વ્યક્તિ ભારતનો નાગરિક નથી.
SIR પ્રક્રિયા બંધારણમાં નવો પ્રાણ ફુંકે છે, કારણ કે તેનો ઉદેશ નિષ્પક્ષ ચુંટણીનો છે.
સુપ્રીમકોર્ટે SIR પ્રક્રિયામાં ચુંટણીપંચની એ દલીલને માન્ય રાખી હતી કે જે ઝડપથી શહેરીકરણ અને લોકોનું સ્થળાંતર વધ્યુ છે તેથી આ પ્રક્રિયા ભેદભાવભરી ગણાતી હોય તો પણ તેનો હેતુ મતદાર યાદીને સુરક્ષિત કરવાનો છે.
આધારકાર્ડ સિવાયના કેટલાક દસ્તાવેજોને સુપ્રીમકોર્ટે 8 સપ્ટે. 2025ના ચુકાદામાં જે માન્ય રાખ્યા હતા તે યથાવત રહે છે.

