તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી : બેન્કની જપ્તીની નોટિસ આવતાં ભોપાળું બહાર આવ્યું
Mehsana, તા.૨૭
મહેસાણા તાલુકાના પાંચોટ ગામની સીમમાં આવેલી સોસાયટીમાં બેન્ક લોનવાળું મકાન લોનની વિગતો છૂપાવીને વેચી દઈ એક ખેડૂત સાથે રૂ.૨૪.૭૫ લાખની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ચકચાર મચી છે. આ મામલે ઠગાઈ આચરનાર મકાનના મૂળ માલિક સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મહેસાણા તાલુકાના વિરમપુરાના વતની અને હાલ મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી ગણેશ વિવાન સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરતા પ્રવિણભાઇ પુરૂષોત્તમદાસ પટેલ (ઉં.વ.૫૪) વર્ષ ૨૦૧૮માં મકાનની શોધમાં હતા. તે સમયે ગણેશ વિવાન સોસાયટીના તત્કાલીન બિલ્ડર રાજુ અગ્રવાલ મારફતે તેમનો સંપર્ક મકાન નં.૧૯ના માલિક અમરતભાઈ કરશનભાઈ રાવત (મૂળ રહે. દવાડા, તા.જિ. મહેસાણા, હાલ રહે. મેઘાણીનગર, અમદાવાદ) સાથે થયો હતો. અમરતભાઈ રાવતે તેઓ આ મકાનનો સ્પષ્ટ કબજો અને માલિકી ધરાવતા હોવાનું જણાવી પ્રવીણભાઇ સાથે રૂ.૧૬,૦૦,૦૦૦માં વેચાણ કિંમત નક્કી કરી હતી. જે નક્કી કરેલી રકમ ચૂકવી દેતાં તા.૨૩/૦૩/૨૦૧૮ના રોજ મહેસાણા સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. જે દસ્તાવેજમાં લેખિત ખાતરી અપાઈ હતી કે, આ મિલકત પર કોઈ સરકારી, અર્ધસરકારી કે નાણાંકીય સંસ્થાની લોન, ધિરાણ કે કોઈ પણ પ્રકારનો બોજો નથી. જો ભવિષ્યમાં કોઈ બોજો સામે આવશે તો તેની તમામ જવાબદારી તેમની રહેશે. જે બાદ પ્રવિણભાઇ પરિવાર સાથે આ મકાનમાં રહેવા આવ્યા હતા. દરમિયાન ગત તા.૨૨/૦૧/૨૦૨૬ના રોજ પ્રવિણભાઇના ઘરે દેના ગુજરાત ગ્રામીણ બેન્કની પાંચોટ શાખામાંથી નોટિસ આવી હતી, જેમાં લોન ભરપાઈ ન થઈ હોવાથી મકાન જપ્ત કરવાની ચેતવણી અપાઈ હતી. આ નોટિસ મળતાં જ પ્રવિણભાઇના હોશ ઉડી ગયા હતા અને તેમણે બેન્કમાં જઈને તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, અમરતભાઈ રાવતે આ મકાન તેમને વેચ્યું તે પહેલાં, એટલે કે ફેબ્રુઆરી ૨૦૧૬માં આ જ મકાન ઉપર બેન્કમાંથી રૂ.૮,૭૫,૦૦૦ની લોન લીધી હતી. અમરતભાઈએ આ લોનની રકમ બેન્કમાં ભરપાઈ કરી નહોતી અને લોન ખાતું ચાલુ જ હતું. જેથી અમરતભાઈ કરશનભાઈ રાવતે મકાન પર બેન્કની લોન ચાલુ હોવા છતાં, તે હકીકત છૂપાવીને મકાન વેચાણના રૂ.૧૬,૦૦,૦૦૦ અને બેન્ક લોનના રૂ.૮,૭૫,૦૦૦ મળીને કુલ રૂ.૨૪,૭૫,૦૦૦ની રકમ મેળવી છેતરપિંડી આચરી હોવાનો અહેસાસ થતાં પ્રવિણભાઇએ તેમની સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

