તાલીમાર્થી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ઠગાઈ અંગે ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
Mehsana, તા.૨૭
મહેસાણામાં સગા સંબંધી દ્વારા જ મોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુકેમાં રહેતી સગર્ભા બહેનની દેખરેખ માટે માતા-પિતાને વિદેશ મોકલવા વિઝા માટે બેન્ક બેલેન્સ બતાવવાના બહાને એક મહિલા પોલીસ તાલીમાર્થી પાસેથી રૂ. ૨૫ લાખ મેળવી બાદમાં તે રકમ પરત ન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મહેસાણા શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ જોટાણા તાલુકાના કસલપુરા ગામના વતની અને હાલ મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી મંગલમૂર્તિ ટાઉનશિપમાં રહેતાં ડોલીબેન હર્ષલકુમાર પટેલ (ઉં.વ. ૩૩) હાલ જુનાગઢ ખાતે પી.ટી.સી ટ્રેનિંગ સેન્ટરમાં ગુજરાત પોલીસ વિભાગની ટ્રેનિંગ લઈ રહ્યાં છે. મધ્યપ્રદેશના બૈતુલ ખાતે રહેતા તેમના સંબંધી યશવંત રવિન્દ્રભાઈ પાનશે પાંચેક મહિના અગાઉ તેમના ઘરે આવ્યા હતા અને યુકેમાં રહેતી તેમની બહેન શિવાની ગર્ભવતી હોવાથી તેના મધરકેર માટે માતા-પિતાને યુકે મોકલવાના હોવાનું કહીં વિઝા પ્રક્રિયામાં બેન્ક બેલેન્સ બતાવવાની જરૂર હોઈ, તેમણે ત્રણ મહિનાની મુદતમાં પરત કરવાની ખાતરી આપી રૂ. ૨૫,૦૦,૦૦૦ માગ્યા હતા. ડોલીબેને પતિની મદદથી તેમના મિત્ર પાસેથી રૂ. ૨૫ લાખ મેળવી પોતાના બેન્ક ખાતામાં જમા કરાવી યશવંત પાનશેને રૂ. ૨૫ લાખનો ચેક આપ્યો હતો. યશવંતે એ ચેક વટાવી નાણાં તેના ખાતાનાં ટ્રાન્સફર કરી લીધાં હતાં. ત્રણ મહિના બાદ પૈસા પરત ન મળતાં અને યશવંતના માતા-પિતા પણ યુકે ગયા ન હોવાની જાણ થતાં ડોલીબેને ઉઘરાણી કરતાં તે ખોટા વાયદા કરતો હતો અને દસ દિવસમાં નાણાં ચૂકવવાનું કહી મહેસાણા ડોલીબેનના ઘરે આવ્યો હતો. જ્યાં વાતચીત દરમિયાન યશવંતે ડોલીબેન અને તેમના પતિ સાથે ઉગ્ર બોલાચાલી કરીને હવે પછી પૈસાની ઉઘરાણી કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આખરે છેતરાયા હોવાનો અહેસાસ થતાં ડોલીબેને મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે યશવંત રવિન્દ્રભાઈ પાનશે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

