ઈન્સ્ટા પર અનફોલો કરવા મુદ્દે કરણ જોહરે તોડ્યું મૌન!
Mumbai, તા.૩૦
બોલિવૂડ ફિલ્મમેકર Karan Johar સોશિયલ મીડિયા પર પોતાના એક પગલાંને કારણે જોરદાર ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જ કરણ જોહરે અચાનક ઇન્સ્ટાગ્રામ પર બોલિવૂડના અનેક મોટા કલાકારોને અનફોલો કરી દીધા હતા, જેના કારણે ઇન્ટરનેટ પર અફવાઓનું બજાર ગરમ થઈ ગયું હતું. લોકો અટકળો લગાવી રહ્યા હતા કે શું Karan Johar ને પોતાના ઈન્ડસ્ટ્રીના મિત્રો સાથે કોઈ અણબનાવ થયો છે? જોકે, હવે આ તમામ અટકળો અને અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતાં કરણ જોહરે પોતે જ આ પાછળનું અસલી કારણ જાહેર કર્યું છે.પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્પષ્ટતા કરતા કરણ જોહરે જણાવ્યું છે કે, સેલેબ્સને અનફોલો કરવાનો નિર્ણય કોઈ અંગત વિવાદ કે ઝઘડાના કારણે નથી લેવાયો, પરંતુ આ એક માત્ર ‘ડિજિટલ ડિટોક્સ’છે. કરણે સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું, ‘આ એક ડિજિટલ ડિટોક્સ છે!
ઇન્સ્ટાગ્રામ પર મારો સમય અને એનર્જીનો બગાડ ઓછો કરવા માટે હું દરેકને અનફોલો કરી રહ્યો છું! ભગવાન માટે, આ કઈ નેશનલ ન્યૂઝ ન હોઈ શકે… મહેરબાની કરીને ક્લિકબેટ માટે કોઈ બીજો મુદ્દો શોધો! આ બિલકુલ બિનજરૂરી બાબત છે!’આ પહેલા નેટીઝન્સે નોટિસ કર્યું હતું કે કરણ જોહરના ઇન્સ્ટાગ્રામ ફોલોઇંગ લિસ્ટમાંથી બોલિવૂડના મોટા-મોટા નામો ગાયબ થઈ ગયા હતા. કરણે શાહરૂખ ખાન ઉપરાંત કરીના કપૂર ખાન, મલાઈકા અરોરા, આલિયા ભટ્ટ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કાર્તિક આર્યન, અનન્યા પાંડે અને સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા જેવા નજીકના મિત્રોને પણ અનફોલો કરી દીધા હતા. જોકે, સૌથી રસપ્રદ વાત એ રહી કે આ બધાની વચ્ચે પણ ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા હજી પણ કરણના ફોલોઇંગ લિસ્ટમાં સામેલ છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા વધુ જોર પકડ્યું હતું.કરણ જોહર સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા ધરાવે છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના ૧૭ મિલિયન (૧.૭ કરોડ)થી પણ વધુ ફોલોઅર્સ છે. પરંતુ આ ડિજિટલ ડિટોક્સના કારણે એક સમયે તેના અકાઉન્ટમાં ફોલોઇંગની સંખ્યા ઘટીને માત્ર ૭૮ થઈ ગઈ હતી. કરણ હવે પોતાનો કિંમતી સમય સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવામાં બગાડવા નથી માંગતો અને તેથી જ તેણે આ નિર્ણય લીધો છે.

