બે કાર મૂકી આરોપીઓ ફરાર, રૂ. ૧૪.૫૧ લાખનો વિદેશી દારૂ, વાહનો અને મોબાઇલ કબજે
(નયના દવે દ્વારા)
Jamnagar તા ૧,
જામજોધપુર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામવાડી ગામની સીમ વિસ્તારમાં વહેલી સવારે હાથ ધરાયેલી દરોડાની કાર્યવાહીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. જોકે પોલીસને જોઈ બે વાહનચાલકો પોતાના વાહનો સ્થળ પર મૂકી ફરાર થઈ જતાં પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ જામજોધપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. લખમણભાઈ રાજશીભાઈ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે જામવાડી ગામની ધાર સીમ વિસ્તારમાં ડેમના રસ્તે અંગ્રેજી દારૂની હેરાફેરી થવાની છે. બાતમીના આધારે પોલીસ સ્ટાફ અને પંચ સાક્ષીઓ સાથે વહેલી સવારે આશરે ૦૫૦૦ વાગ્યે વોચ ગોઠવી દરોડો પાડવામાં આવ્યો હતો.
દરમિયાન એક ટોયોટા ઇનોવા કાર અને એક મહિન્દ્રા સ્કોર્પિયો વાહનમાંથી દારૂની હેરાફેરી થતી હોવાનું નજરે પડતાં પોલીસે બંને વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વાહનચાલકો પોલીસને જોઈ કાચા રસ્તે ભાગી છૂટ્યા હતા. પોલીસે પીછો કરતાં બંને વાહનો વસ્તાભાઈ પાંચાભાઈ રબારીની વાડી નજીક રસ્તો પૂર્ણ થતાં મૂકી આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.
પોલીસે બંને વાહનોની તપાસ કરતાં ટોયોટા ઇનોવા કાર નં. જી.જે.-૦૩-સી.આર.-૨૭૪૮ અને મહિન્દ્રા સ્કોર્પિયો નં. જી.જે.-૨૫-જે.-૯૯૦૨માંથી વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ ૨૮ બોક્સ અને ૦૯ છૂટક બોટલો મળી આવી હતી. ઉપરાંત સ્કોર્પિયોમાંથી ઓપો કંપનીનો કે-૧૨-એક્સ મોડલનો મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રોયલ સ્ટેગ, રોયલ ચેલેન્જ, ઓલ સીઝન્સ ગોલ્ડન કલેક્શન અને મેજિક મોમેન્ટ્સ જેવી બ્રાન્ડની કુલ ૩૪૫ બોટલોનો સમાવેશ થાય છે. દારૂની કિંમત રૂ. ૨,૫૧,૭૯૯/- આંકવામાં આવી છે. આ ઉપરાંત ઇનોવા કાર નં.જી.જે.-૦૩-સી.આર.-૨૭૪૮ કિંમત રૂ. ૬,૫૦,૦૦૦/-, સ્કોર્પિયો નં. જી.જે.-૨૫-જે.-૯૯૦૨ કિંમત રૂ. ૫,૫૦,૦૦૦/- અને મોબાઇલ ફોન કિંમત રૂ. ૫,૦૦૦/- મળી કુલ રૂ. ૧૪,૫૧,૭૯૯/-નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
આ બનાવ અંગે અજાણ્યા બંને વાહનચાલકો વિરુદ્ધ ગુજરાત પ્રતિબંધ અધિનિયમની કલમ ૬૫(એ), ૬૫(ઈ), ૧૧૬(બી), ૯૮(૨) અને ૮૧ મુજબ ગુનો નોંધી જામજોધપુર પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા જપ્ત કરાયેલા દારૂના નમૂનાઓ એફ.એસ.એલ. તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

