તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
(નયના દવે દ્વારા)
Jamnagar તા ૧
Jamnagar શહેરમાં મૂકબધિર અને વિકલાંગ દીકરી સાથે છેડતી તથા શારીરિક અડપલાં કરવા તેમજ પીડિતાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી રિઝવાન ઉર્ફે ચીના ગનીભાઈ ખીરા (સુમરા)ને જામનગર સિટી-એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો તથા અન્ય આધારોના આધારે આરોપી સુધી પહોંચવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે આરોપી રિઝવાન ઉર્ફે ચીના ગનીભાઈ ખીરા (સુમરા)ને શોધી કાઢી તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરી Jamnagar સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કામગીરીમાં પોલીસ કર્મચારી વિજયભાઈ કાનાણી અને યોગેન્દ્રસિંહ સોઢાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મહિલાઓ, બાળાઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ સામે થતા ગુનાઓને લઈને જામનગર પોલીસ સતર્ક છે અને આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો સંદેશ આ કામગીરી દ્વારા આપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

