(નયના દવે દ્વારા)
Jamnagar તા. ૧
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારના સભ્ય ટિફની ટ્રમ્પ તથા તેમના પતિ માઈકલ બોલોસ Jamnagar પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિશેષ વિમાન મારફતે Jamnagar એરપોર્ટ પર આગમન થયા બાદ તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ સ્તરની સુરક્ષા વચ્ચે એરપોર્ટથી મોટીખાવડી વિસ્તારમાં આવેલા રિલાયન્સ સંકુલ તરફ લઈ જવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર મહાનુભાવોના આગમનને પગલે Jamnagar શહેર પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા એરપોર્ટથી લઈને મોટીખાવડી સુધીના માર્ગ પર વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાફલો પસાર થવાનો હોવાથી અનેક સ્થળોએ બેરિકેટિંગ કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા માર્ગ વ્યવહારનું નિયંત્રણ હાથ ધરવામાં આવ્યું હતું.
મહાનુભાવોના કાફલામાં અદ્યતન સુરક્ષા વાહનો, પાઇલટ વાહનો અને પોલીસ એસ્કોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એરપોર્ટ પરથી કાફલો રવાના થતાં માર્ગ ઉપર થોડા સમય માટે સામાન્ય વાહન વ્યવહાર રોકી દેવાતાં ખંભાળિયા રોડ પર ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા.
Jamnagar નજીક આવેલા રિલાયન્સના વન્યજીવ અને પ્રાણી સંરક્ષણ કેન્દ્ર ’વનતારા’ ની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ પ્રજાતિના પ્રાણીઓ, પક્ષીઓ તથા સંરક્ષણ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન વન્યજીવ સંવર્ધન અને સંરક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી વિવિધ કામગીરી અંગે પણ જાણકારી આપવામાં આવશે. વિદેશી મહાનુભાવોના આગમનને લઈને સમગ્ર સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું હતું અને માર્ગ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

