Gandhinagar. તા.2
ગુજરાતમાં સાયબર ક્રાઈમ, નાણાકીય છેતરપિંડી અને ડિજિટલ ફ્રોડ કરનારા તત્વો સામે સરકારે લાલ આંખ કરી છે. રાજ્યમાં ઓનલાઈન છેતરપિંડી આચરતા નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે આજથી `ઓપરેશન મ્યુલ હંટ 2.0′ (Operation Mule Hunt 2.0) નો સત્તાવાર પ્રારંભ થઈ રહ્યો છે.
આ મેગા ડ્રાઈવને સફળ બનાવવા માટે ગઈકાલે મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વની અને હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓ અને સાયબર નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં વધી રહેલા ડિજિટલ અરેસ્ટ, ઓનલાઈન ટાસ્ક ફ્રોડ અને બેંકિંગ સ્કેમના મૂળ સુધી પહોંચવા માટે ગૃહ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. મોડી રાત્રે યોજાયેલી આ હાઈ-લેવલ મીટિંગમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના સાયબર ક્રાઈમ સેલ અને પોલીસ વડાઓ સાથે લાંબી ચર્ચા કરી હતી.
બેઠકમાં અગાઉના ઓપરેશનની સમીક્ષા કરવામાં આવી હતી અને `ઓપરેશન મ્યુલ હંટ 2.0′ અંતર્ગત આગામી દિવસોમાં કઈ રીતે એક્શન લેવામાં આવશે તેની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, નિર્દોષ નાગરિકોની કષ્ટીની કમાણી લૂંટનારા એક પણ ગુનેગારને બક્ષવામાં ન આવે.
શું છે `ઓપરેશન મ્યુલ હંટ 2.0′?
સરળ ભાષામાં સમજીએ તો, સાયબર ગુનેગારો સામાન્ય લોકોના નામે ખોટા અથવા ભાડાના બેંક ખાતાઓ ખોલાવે છે. આ ખાતાઓને ટેકનિકલ ભાષામાં `મ્યુલ એકાઉન્ટ્સ’ (Mule Accounts) કહેવામાં આવે છે.
ઓનલાઈન છેતરપિંડીના પૈસા સૌપ્રથમ આ જ ખાતાઓમાં ટ્રાન્સફર થાય છે અને ત્યાંથી અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવે છે. `ઓપરેશન મ્યુલ હંટ 2.0′ નો મુખ્ય ઉદ્દેશ્ય આવા શંકાસ્પદ બેંક ખાતાઓ ધારકો, તેના ઓપરેટરો અને છેતરપિંડી કરનારી આખી ચેઈનને શોધીને જેલના સળિયા પાછળ ધકેલવાનો છે.
ટોચના પોલીસ અધિકારીઓને સોંપાઈ વિશેષ જવાબદારી
આ ઓપરેશન માત્ર કાગળ પર ન રહે તે માટે ગૃહ રાજ્યમંત્રીએ સીધા મોનિટરિંગની વ્યવસ્થા ગોઠવી છે. શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ધરાવતા તમામ બેંક ખાતાઓની ઓળખ કરી તાત્કાલિક ફ્રીઝ કરવામાં આવશે.
પોલીસ વિભાગ રાજ્યની તમામ સરકારી અને ખાનગી બેંકો સાથે સીધા સંકલનમાં રહીને શંકાસ્પદ એકાઉન્ટ્સનો ડેટા મેળવશે. જ્યારે ગુજરાતના તમામ જિલ્લાના સાયબર સેલને આ ઓપરેશન અંતર્ગત 24 કલાક સક્રિય રહેવા અને ઝડપી રેડ પાડવા સૂચના અપાઈ છે.
વિદેશી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા સ્થાનિક એજન્ટો પર પોલીસ ત્રાટકશે
હાઈ-લેવલ મીટિંગમાં એ વાત પણ સામે આવી છે કે, મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ મોટેભાગે વિદેશથી ઓપરેટ થતા સાયબર માફિયાઓ કરે છે. ગુજરાતના સ્થાનિક એજન્ટો કમિશનની લાલચમાં ગરીબ અથવા અજાણ લોકોના દસ્તાવેજો (આધાર કાર્ડ, પાન કાર્ડ) મેળવીને બેંકમાં ખાતા ખોલાવી આપતા હોય છે. `ઓપરેશન મ્યુલ હંટ 2.0′ અંતર્ગત પોલીસ આવા સ્થાનિક એજન્ટો પર ત્રાટકશે, જેથી વિદેશમાં બેઠેલા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી શકાય.
નાણાંની લાલચમાં પોતાના બેંક ખાતાની વિગતો, એટીએમ કાર્ડ, પીન નંબર આપવાં નહિ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બાદ રાજ્યના નાગરિકોને પણ એક મહત્વની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, કોઈ પણ અજાણી વ્યક્તિને કમિશન કે નાણાંની લાલચમાં આવીને પોતાના બેંક ખાતાની વિગતો, એટીએમ કાર્ડ, પીન નંબર કે ચેકબુક આપવી નહીં. જો તમાં ખાતું કોઈ ગેરકાયદેસર વ્યવહારમાં વપરાશે, તો કાયદાકીય મુશ્કેલીમાં તમે મુકાઈ શકો છો.
મ્યુલ હંટ-1.0ઃ 913 મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી, 565 એફઆઇઆર તથા 638ની ધરપકડ
સાયબર ક્રાઈમ સામે લોકોને સુરક્ષિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાગરિકોની મહેનતની કમાણીના રૂપિયા સાયબર ગુનેગારોના હાથમાં ન જાય અને સાયબર કાઈમાં સંડોવાયેલા ગુનેગારોને આકરી સજા મળે તે હેતુથી રાજ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના ઓપરેશન હાથ ધરીને નિર્ણાયક કામગીરી કરવામાં આવી છે.
આ વ્યાપક કામગીરીના ભાગરૂપે એક વિશેષ ઓપરેશન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવેલા આ ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 માં મ્યૂલ અકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં અલગ અલગ કેસમાં 913 મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી કરી 565 એફઆઇઆર કરવામાં આવી છે. જ્યારે 638 સાયબર માફિયાની ધરપકડ કરી કુલ 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

