Devbhoomi Dwarka,તા.૨
Devbhoomi Dwarka જિલ્લામાં ખેડૂતોના હિત સાથે ચેડા કરનારા અને ખેતીને નુકસાન પહોંચાડતા તત્વો સામે એસ.ઓ.જી.એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામરાવલ ખાતે આવેલી એક એગ્રો દુકાનમાં દરોડા દરમિયાન લાખો રૂપિયાની નકલી, એક્સપાયર્ડ અને શંકાસ્પદ કૃષિ પ્રોડક્ટ્સનો મોટો જથ્થો ઝડપાયો છે.
Devbhoomi Dwarka જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નકલી અને હલકી ગુણવત્તાવાળી કૃષિ દવાઓ સામે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે મળીને જામરાવલ ગામમાં આવેલી ગુરુકૃપા એગ્રો નામની દુકાન પર દરોડા પાડ્યા હતા.
તપાસ દરમિયાન માલદેભાઈ ઠેબાભાઈ ઓડેદરા અને દિનેશભાઈ માલદેભાઈ ઓડેદરા દ્વારા સંચાલિત વ્યવસાય સાથે સંકળાયેલા સ્થળેથી કૃષિ દવાઓ, બીયારણ અને ખાતરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે કેટલીક દવાઓ પર કોઈપણ પ્રકારની માહિતી કે લેબલ લગાવવામાં આવ્યા ન હતા અને તે સાદી બોટલોમાં વેચવામાં આવતી હતી. ઉપરાંત અનેક પ્રોડક્ટ્સની એક્સપાયરી તારીખ પૂરી થઈ ગઈ હોવા છતાં તેમનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે.
કાર્યવાહી દરમિયાન કુલ રૂ. ૫,૨૯,૩૨૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાંથી રૂ. ૩,૮૯,૪૫૦ની કિંમતનો એક્સપાયર્ડ અને બિનઉપયોગી જથ્થો નાશ કરવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે બાકીના જથ્થાના વેચાણ પર તાત્કાલિક રોક લગાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલે જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને નકલી અને હલકી ગુણવત્તાવાળી કૃષિ દવાઓથી બચાવવા પોલીસ અને ખેતીવાડી વિભાગ દ્વારા આગામી સમયમાં પણ આવી કાર્યવાહી યથાવત્ રાખવામાં આવશે.

