નાઇજીરીયા અને અમેરિકા જેવા દેશોના અરજદારોને હવે લાંબી રાહ જોવી પડી શકે છે
New Delhi,તા.૨
કેનેડા જવાની ઈચ્છા રાખતા ભારતીય નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેનેડાના ઇમિગ્રેશન વિભાગ ’ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા’ દ્વારા અસ્થાયી નિવાસ વિઝા માટેના પ્રોસેસિંગ ટાઈમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવી અપડેટ મુજબ, ભારત અને પાકિસ્તાનથી કરાયેલી કેટલીક વિઝા કેટેગરીની પ્રોસેસિંગ સ્પીડ પહેલા કરતા ઘણી ઝડપી બની છે, જ્યારે નાઇજીરીયા અને અમેરિકા જેવા દેશોના અરજદારોને હવે લાંબી રાહ જોવી પડી શકે છે.
નવા ડેટા અનુસાર, ભારતીય અરજદારોને સૌથી મોટો ફાયદો ’સુપર વિઝા’ કેટેગરીમાં મળ્યો છે. ભારતમાં સુપર વિઝાનો પ્રોસેસિંગ ટાઈમ ૧૬૦ દિવસથી ઘટીને હવે માત્ર ૧૧૭ દિવસ થઈ ગયો છે, એટલે કે સીધો ૪૩ દિવસનો ઘટાડો નોંધાયો છે. પાકિસ્તાન માટે પણ આ સમય ૧૦૭ દિવસથી ઘટીને ૭૫ દિવસ થયો છે. તેનાથી વિપરિત, અમેરિકાથી કરાયેલી સુપર વિઝા અરજીઓનો સમય ૧૦૩ દિવસથી વધીને ૧૧૫ દિવસ થયો છે.
વિદ્યાર્થીઓ માટે ’સ્ટડી પરમિટ’ ના મામલામાં ભારતનો પ્રોસેસિંગ ટાઈમ ૪ સપ્તાહ (૨૮ દિવસ) પર સ્થિર રાખવામાં આવ્યો છે, જે ઘણો ઝડપી છે. પાકિસ્તાન માટે આ સમય ૧૧ સપ્તાહથી ઘટીને ૭ સપ્તાહ થયો છે. જ્યારે ’વર્ક પરમિટ’ ની વાત કરીએ તો ભારત માટે આ સમયગાળો ૯ સપ્તાહ પર યથાવત છે. પાકિસ્તાનને વર્ક પરમિટમાં રાહત મળી છે અને તેમનો સમય ૮ સપ્તાહથી ઘટીને ૬ સપ્તાહ થયો છે, જ્યારે નાઇજીરીયાના લોકોને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં વર્ક પરમિટનો સમય ૬ સપ્તાહથી વધીને ૧૨ સપ્તાહ થઈ ગયો છે.
સામાન્ય પ્રવાસીઓ માટેના ’વિઝિટર વિઝા’ ની પ્રક્રિયામાં ભારત સહિત મોટાભાગના દેશો માટે વેઇટિંગ પીરિયડ થોડો વધ્યો છે.
ભારતીયો માટે વિઝિટર વિઝાનો પ્રોસેસિંગ ટાઈમ ૨૭ દિવસથી વધીને હવે ૨૮ દિવસ થયો છે. અમેરિકા માટે આ સમય ૨૨ થી વધીને ૨૫ દિવસ અને ફિલિપાઇન્સ માટે ૧૮ થી વધીને ૨૦ દિવસ થયો છે.
કેનેડાની અંદરથી જ સબમિટ કરાયેલી વિઝિટર વિઝા એપ્લિકેશનનો ટાઈમ પણ ૧૧ દિવસથી વધીને ૧૬ દિવસ થયો છે. કેનેડા સરકાર આ ફેરફારો દ્વારા ઇમિગ્રેશન સિસ્ટમને વધુ સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

