Gandhinagar, તા.3
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવામાન પલ્ટા વચ્ચે ઠેર-ઠેર ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે સાથોસાથ મહતમ તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટવા સાથે સવારથી જ સખ્ત બફારાનો અનુભવ થઇ રહ્યો છે. ગઇકાલે પણ દિવસ દરમ્યાન ભારે બફારો વાર્તાયો હતો અને બપોરનું તાપમાન સામાન્ય રહેવા પામ્યું હતું.
ગઇકાલે રાજકોટમાં 40.7, ભુજમાં 41, અમદાવાદમાં 37, અમરેલીમાં 38.9, વડોદરામાં 36.4, ડિસામાં 36.8, દિવમાં 33.8, ગાંધીનગરમાં 36.ર, કંડલામાં 37.7, નલિયામાં 37.4, પોરબંદરમાં 35.2, સુરેન્દ્રનગરમાં 38.3 તેમજ વેરાવળ ખાતે 34.6 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.
જયારે ગોહિલવાડ પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોમવારે રાત્રિના સમયે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે તોફાની પવન ફૂંકાવવાની સાથે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ પડ્યો હતો. આ વરસાદી ઝાપટાંને કારણે મંગળવારે પંથકના મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો દર્જ થયો હતો, જેનાથી સ્થાનિક રહીશોએ દિવસભર કાળઝાળ ગરમીમાંથી બહુ મોટી રાહત અનુભવી હતી.
જો કે, વાતાવરણમાં સર્જાયેલી આ ઠંડક માત્ર 24 કલાક પૂરતી જ સીમિત રહી હતી. આજે બુધવારે સવારથી જ હવામાનનો મિજાજ ફરી આકરો બન્યો છે. ગઈકાલનો વરસાદી માહોલ સંપૂર્ણપણે વિખેરાઈ જતાં અને આકાશ સાફ થઈ જતાં સૂર્યનારાયણના આકરા કિરણો સીધા જમીન પર પડી રહ્યા છે. પરિણામે સવારના પ્રારંભિક કલાકોથી જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને અસહ્ય બફારાએ જોર પકડ્યું છે. ગઇકાલે ભાવનગરનું મહતમ તાપમાન 36.4 ડિગ્રી નોંધાયુ હતું.
તેમજ જામનગર શહેરમાં મહતમ તાપમાનમાં સતત બીજા દિવસે પણ 36.5 ડિગ્રી નોંધાયું હતું.
તો લઘુતમ તાપમાન 28.6 ડિગ્રી રહ્યું હતું.જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 10.9 કિમી નોંધાઈ છે. ઉનાળા ની આકરા તાપ અને બફારા થી શહેરીજનો અકળાઇ ઉઠ્યા છે. પંખા,કૂલર, એસી ના ઉપયોગ વધારી દીધો છે.શેરડીના રસ સહિત વિવિધ ઠંડા પીણા વેચાણમાં વધારો થયો છે.
ઉપરાંત અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવા છતાં ભારે બફારાના કારણે લોકો પરસેવે રેબઝેબ જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો હવે વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણાં જ સમયથી તાપમાન 44 ડિગ્રી સુધી રહ્યાં બાદ હવે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે આકાશમાં વાદળા છવાતા અને વાતાવરણમાં ભેજ વધતા ભારે બફારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે અમરેલીમાં મહતમ તાપમાન 38.9, લઘુત્તમ તાપમાન 27.4, ભેજનું પ્રમાણ 78 ટકા જ્યારે પવનની 6.4 પ્રતિ કલાક નોંધાય છે.

