Gandhinagar, તા.3
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા-2025માં સફળતા મેળવનાર ગુજરાતના 35 યુવા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો.
પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ઉમેદવારો અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે યુપીએસસીની આખી યાદીમાં કોઈ એકાદ ગુજરાતીનું નામ ભાગ્યે જ જોવા મળતું પરંતુ, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વના પરીણામે આજે 35 ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી છે.
તેમના કાર્યકાળમાં જ સ્પિપાને વિશેષ મહત્વ આપી અનેક જરૂરી બદલાવ કરવામાં આવ્યા હતા. તેમણે 15-20 વર્ષ પહેલાં જે વિઝન રાખ્યું હતું, તેના પરીણામે આજે કોઈપણ રાજ્ય સરકાર દ્વારા ચાલતી સંસ્થાઓમાં સૌથી વધુ એટલે કે 35 ઉમેદવારો એક જ વર્ષમાં પાસ થયા છે.
અધિકારી બન્યા પછી પણ સ્વભાવમાં નમ્રતા રાખવા અપીલ કરતાં તેમણે કહ્યું હતુ કે, તમે જીવનમાં ગમે તેટલી પ્રગતિ કરો પરંતુ તમારા મુળને કદી ન ભૂલતાં. જે વ્યક્તિ જમીન સાથે જોડાઈને ચાલશે તેને જીવનમાં ક્યારેય વાંધો નહીં આવે. નામ અને સ્તરમાં માન વધવાની સાથે લોકોના દિલમાં જે પ્રેમ છે તે ઓછો ન થાય તે રીતે કામ કરવા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
તેમણે સફળ ઉમેદવારોને તેમના મનગમતા ક્ષેત્ર કે સરકારી વિભાગોની તેમના ધ્યાને આવેલી વહીવટી સમસ્યાઓનો અભ્યાસ કરી તેના પ્રેક્ટિકલ સોલ્યુશન અંગેના મુદ્દાઓ તૈયાર કરીને તેના નિવારણ માટે શું કરી શકાય તે સુઝાવ આપવા અપીલ કરી હતી. આ સૂચનોનું અમલીકરણ આગામી દિવસોમાં સરકારમાં કરવામાં આવશે તેની ખાતરી તેમણે આપી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીના સચિવ આશિષ કુમાર, સ્પીપાના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ચંદ્રેશ કોટક સહિત સફળ ઉમેદવારો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

