Gandhinagar,તા.04
ગુજરાતમાં સમૃદ્ધિ સાથે પ્રાઈવેટ-પબ્લીક વાહનોની સંખ્યા પણ વધતી જાય છે અને માર્ગ કનેકટીવીટી પણ વધી છે. જેના કારણે હવે લોકો ટુંકા પ્રવાસમાં પણ પોતાના ખાનગી વાહનમાં પ્રયાસ કરે છે. આ દ્રશ્ય બહું સામાન્ય છે કે સોસાયટીઓના પાર્કીંગ ફુલ હોય છે. સોસાયટી બહાર જાહેર માર્ગ પર પણ દિવસ-રાત્રીના વાહન પાર્ક હોય છે અને તે ટ્રાફિકની સમસ્યા પણ સર્જે છે.
એક અંદાજ મુજબ જાહેર માર્ગોનો 30% વિસ્તાર તો આ પ્રકારે ખાનગી વાહનો જે પાર્ક થયેલા હોય છે તે જ રોકી લે છે. લોકોને ચાલવા માટે ફુટપાથ બનાવાય છે. જેના પર પણ આ રીતે પાર્ક થયેલા વાહનોનું દબાણ થઈ જાય છે. હવે રાજય સરકાર આ પ્રકારે જાહેરમાં પાર્ક થતા વાહનો પાસેથી પાર્કીંગ ચાર્જ વસુલવાની તૈયારી છે.
રાજય સરકારે રચેલી હાઈલેવલ-અર્બન પ્લાનીંગ કમીટી દ્વારા આ અંગે વિચારણા ચાલુ છે. અમદાવાદમાં જ સ્થાનિક સ્તરે કરવામાં આવેલા સર્વેમાં જણાવ્યું છે કે દિવસ દરમ્યાન 20 લાખ ટુ વ્હીલર તથા 4-5 લાખ ફોરવ્હીલર સહિતના મોટા વાહનો માર્ગ પર દોડતા રહે છે.
ગુજરાતમાં 2040 સુધીમાં જે રીતે વિકાસ આયોજન છે. તેમાં ટ્રાફીક અને પાર્કીંગ એ બે મોટી સમસ્યા ઉકેલવા માટે આયોજન છે. તેમાં માર્ગ પર પાર્કીંગ સમસ્યા કેમ ઉકેલી શકાય તે પ્રશ્ન છે. તેમાં પણ સોસાયટીઓમાં વિઝીટર પાર્કીંગની કોઈ સુવિધા નથી.
હવે અમદવાદથી આ પ્રકારે રોડ-પાર્કીંગ ફ્રી અને સોસાયટીઓ રહેણાંકમાં પાર્કીંગ સુવિધા માટે મોડેલ બનાવશે જે બાદમાં સુરત, રાજકોટ, વડોદરા અને અન્ય શહેરોમાં લાગુ કરાશે. આ અંગે એક નિશ્ચિત ફ્રેમવર્ક બનશે. હાલ અમદાવાદમાં ઈસ્કોન રોડ, ડ્રાઈવ ઈન રોડ તથા નહેરૂનગર વિસ્તારોમાં આ અંગે મોડેલ બનશે.
રોડ પર પાર્ક થયેલા વાહનો માર્ગની એક લેન-થી પણ વધુ જગ્યા રોકે છે. સરકારી કે જાહેર જમીનને તમારુ ગેરેજ બનાવી શકો નહી. જો વાહન ખાનગી હોય તો પાર્કીંગ પણ પ્રાઈવેટ હોવું જરૂરી છે અને વાહન લેનારે તે જવાબદારી સમજવી પડશે. જો કે વાહન પર પાર્કીંગની સાથે દરેક માર્ગો પર કાયમ રીતે જુના વાહનો પાર્ક થયેલા હોય છે જે ભાગ્યે જ દુર થાય છે.

