પતિ વતન ગયા ને પાછળથી પત્નીએ જનાના હોસ્પિટલમાં સારવારમાં દમ તોડ્યો, પરિવારમાં શોક
Rajkot,તા.10
ગામના પાટિયા પાસે આવેલી વિવાન્ય કંપનીમાં મૂળ મધ્યપ્રદેશની ૨૭ વર્ષીય ગર્ભવતી મહિલાનું અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યા બાદ સારવાર દરમિયાન મોત નીપજતાં શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જીયાણા ગામના પાટિયા પાસે આવેલ વિવાન્ય કંપનીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા દુર્ગેશભાઈ ગરીયાના પત્ની ગંગોત્રીબેન (ઉં.વ. ૨૭) ગઈકાલે કંપનીમાં પોતાના રૂમમાં હતા તે દરમિયાન તેમના પતિ કોઈ કામસર વતન ગયા હતા. આ સમયે ગંગોત્રીબેનને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. પેટમાં દુખાવો ઉપડતા ગંગોત્રીબેનને તાત્કાલિક સારવાર અર્થે સૌપ્રથમ નજીકની ‘શાંતિ હેલ્પ કેર હોસ્પિટલ’ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની ગંભીર સ્થિતિને જોતા વધુ સારવાર માટે તાકીદે જનાના હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક ગંગોત્રીબેનને ૫ મહિનાનો ગર્ભ હતો. લગ્નજીવન બાદ આ તેમનું પહેલું જ સંતાન આવવાનું હોવાથી પરિવારમાં ભારે ખુશીનો માહોલ હતો. જો કે, કુદરતે સર્જેલી આ ગમખ્વાર ઘટનામાં માતાની સાથે ગર્ભમાં રહેલા માસૂમ બાળકે પણ જીવ ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

