(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૦ઃ
Morbi જિલ્લાના અલગ-અલગ ત્રણ વિસ્તારમાં આપઘાત અને અકસ્માતના ત્રણ બનાવો સામે આવ્યા છે. મોરબી તાલુકાના રાજપર ગામે માનસિક બીમારીના કારણે કૂવામાં ખાબકતાં એક શ્રમિક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે વાંકાનેર પાસે કારખાનાની બહાર ઝેરી દવા પી લેતાં ઉત્તર પ્રદેશના યુવાને દમ તોડ્યો છે.
પ્રથમ બનાવની વિગત મુજબ, મૂળ દાહોદ વતની અને હાલ મોરબીના રાજપર (કુંતાસી) ગામે રહેતા અનીલભાઇ રમેશભાઇ કામોળ (ઉં.વ.૨૭) નામના યુવક માનસિક રીતે બીમાર હતા. સવારના સમયે તેઓ અચાનક પોતાના ઘરેથી નીકળીને સીમ તરફ ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન રાજપર ગામની સીમમાં આવેલી અરવીંદભાઇ નરશીભાઇ મેંદપરાની વાડીના કૂવામાં તેઓ પડી ગયા હતા, જ્યાં કૂવાના પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું.
બીજા બનાવમાં, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના મેસરીયા ઓપી વિસ્તારમાં આવેલા ગોકુલ નમકીન કારખાનાના ક્વાર્ટર્સમાં રહેતા વિકાસકુમાર સુરેશકુમાર (ઉં.વ.૨૦) નામના યુવકે કારખાનાની બહાર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવકને ગંભીર હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.

