રાત્રે શખ્સ સાથે ઝઘડો થયા બાદ સવારે પિતા ઉઠાડવા ગયા ત્યારે પુત્ર લટકતી હાલતમાં મળ્યો, પોલીસે તપાસ આદરી
Rajkot,તા.10
શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં ૩૪ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગઈકાલે પાછળની શેરીમાં રહેતા એક શખ્સ સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હોવાની અને તેણે યુવાનને ફડાકા માર્યા હોવાની વાતો વહેતી થતાં પોલીસે એ દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, લક્ષ્મીનગર શેરી નંબર-૨ માં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અમિતભાઈ ગોવિંદભાઈ ભોજાણી (ઉં.વ. ૩૪) નામના યુવાને ઘરે લાકડાની આડી સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારે રોજની જેમ પિતા ગોવિંદભાઈ પુત્ર અમિતને જગાડવા માટે ગયા ત્યારે પુત્રને ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. રાડારાડ કરતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને યુવાનને તાત્કાલિક નીચે ઉતારી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જો કે, ૧૦૮ ના તબીબે જોઈ-તપાસી અમિતભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, મૃતક અમિતભાઈના પત્ની રીનાબેન હાલ માવતરે આંટો મારવા ગયા છે. ગઈકાલે અમિતભાઈને તેમની પાછળની શેરીમાં જ રહેતા કુનાલ નામના શખ્સ સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ દરમિયાન કુનાલે અમિતભાઈને ફડાકા (લાફા) માર્યા હોવાનું પણ સામે આવ્યું છે. શું આ ઝઘડાના આઘાતમાં આવીને અમિતભાઈએ આ પગલું ભર્યું છે? તે અંગે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આપઘાત કરી લેનાર અમિતભાઈ બે ભાઈઓમાં નાના હતા. તેઓ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પિતાના આ અચાનક મોતના પગલે બંને માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. હાલ પોલીસે આપઘાત પાછળના સાચા કારણો શોધવા વધુ તપાસ હાથ ધરી છે.

