કામેથી ઘરે પરત ફરતી વેળાએ નડ્યો અકસ્માત, પોલીસે તપાસ બાદ મૃતકની ઓળખ મેળવી
Rajkot,તા.10
શહેરના પી. ડી. માલવિયા ફાટક પાસે રાજકોટ-વેરાવળ ટ્રેનમાંથી નીચે પટકાતાં આધેડનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નીપજ્યું છે. રેલવે પોલીસે પ્રાથમિક તબક્કે અજાણ્યા પુરુષ તરીકે નોંધ કરી તપાસ હાથ ધર્યા બાદ આખરે મૃતકની ઓળખ થઈ શકી છે.પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામમાં રીબડા રેલવે સ્ટેશન પાસે રહેતા નરસિંહભાઈ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ. ૫૫) ગત શનિવાર (૭ મે)ના રોજ રાજકોટથી પોતાના ઘરે જવા માટે ટ્રેનમાં બેઠા હતા. ટ્રેન જ્યારે રાજકોટના પી. ડી. માલવિયા ફાટક પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે નરસિંહભાઈ કોઈ કારણોસર ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાઈ ગયા હતા. ટ્રેનમાંથી નીચે ફેંકાઈ જતાં નરસિંહભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો અને તંત્ર દ્વારા તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ત્યાંના ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
ઘટના સમયે મૃતક પાસે કોઈ ઓળખપત્ર ન મળી આવતાં પોલીસે શરૂઆતમાં ‘અજાણ્યા પુરુષ’ તરીકે ગુનો નોંધી તેમના વાલીવારસની શોધખોળ શરૂ કરી હતી. પોલીસની સઘન તપાસને અંતે ગઈકાલે મૃતકની ઓળખ નરસિંહભાઈ ગોવિંદભાઈ રાઠોડ તરીકે થઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક નરસિંહભાઈ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે. ઘરના મોભીના અકાળે મોતથી ગુંદાસરા ગામ અને શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. L

