માનસિક અસ્વસ્થ પ્રોઢ ઘરેથી કહ્યા વગર નીકળી ગયા હતા,
Rajkot,તા.10
શહેરના શુભ ચોકડી અને ભુવા ફાટક વચ્ચે થોડા દિવસો પહેલા અજાણ્યા પ્રોઢ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો, જેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. પોલીસ દ્વારા તેની ઓળખ કરવામાં આવતા તે લોઠડા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પ્રૌઢના મોતના સમાચારથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શુભ ચોકડી અને ભુવા ફાટક વચ્ચેથી આશરે ૬૦ વર્ષની ઉંમરના પ્રૌઢ બેભાન અને ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. અજાણ્યા વાહને તેમને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. ૧૦૮ની ટીમ મારફતે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને જોઈ-તપાસી મૃત જાહેર કર્યા હતા. શરૂઆતમાં મૃતકની ઓળખ ન થતાં આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા વાલીવારસની શોધખોળ શરૂ કરાઈ હતી. તપાસ કરતાં અંતે મૃતકની ઓળખ મળી ગઈ હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક ધીરૂભાઈ ખોળાભાઈ બોરીચા (ઉં ૬૦) લોઠડા ગામના રહેવાસી છે અને પોતે માનસિક રીતે અસ્વસ્થ હતા અને અવારનવાર કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જતા હતા. થોડા દિવસ પહેલા પણ તેઓ ઘરેથી નીકળી ગયા બાદ આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. હાલ આજીડેમ પોલીસે આ અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

