Jamnagar તા.૧૩
Jamnagar શહેર (૩બી)ના રેવન્યુ સર્વે નં. ૭૮૨ અને ૭૮૭/૧ની કરોડો રૂપિયાની કિંમત ધરાવતી વિવાદાસ્પદ જમીન અંગે મહત્વપૂર્ણ નિર્ણય કરતાં જામનગરના કલેક્ટરશ્રી જામનગર દ્વારા બિનખેતી (એન.એ.) મંજૂરી મેળવવા માટે કરવામાં આવેલી અરજી રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, જમીન મૂળ ખેડૂત માધવજી કાનજીને દરબારી હક્કથી મળેલી હતી. તેમના અવસાન બાદ જમીન વારસાઈથી તેમના પુત્ર હીરજી ઉર્ફે હીરાલાલ માધવજીને પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ હીરજીના અવસાનથી હિન્દુ વારસાઈ કાયદા મુજબ તેમના વારસદારોમાં હક્ક વહેંચાયો હતો.
આ દરમિયાન વારસદાર સતવારા વેજીબેન હીરજી ઉર્ફે હીરાલાલનું નામ તેમની જાણ અને સંમતિ વિના ખોટા સોગંદનામાના આધારે રેવન્યુ રેકોર્ડમાંથી દૂર કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વેજીબેને પોતાના હક્ક-હિસ્સા માટે જામનગરની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો, જે હાલ પેન્ડિંગ છે.વેજીબેનને શંકા હતી કે અન્ય હકદારોએ ચાલુ દાવા દરમિયાન જ જમીન બિનખેતી કરાવી વેચાણ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તેથી તેમણે કલેક્ટર સમક્ષ વાંધા અરજી રજૂ કરી હતી.કલેક્ટરશ્રીએ તમામ દસ્તાવેજો, રેવન્યુ રેકોર્ડ તથા ચાલુ નાગરિક દાવાની હકીકતોનું અવલોકન કર્યા બાદ નોંધ્યું કે વારસાઈ હક્ક અંગેનો વિવાદ હજુ પણ નામદાર સિવિલ કોર્ટ, જામનગર સમક્ષ રેગ્યુલર સિવિલ સુટ નં. ૭૨૩/૨૦૨૫ તરીકે પેન્ડિંગ છે. પરિણામે રેવન્યુ સર્વે નં. ૭૮૨ સંબંધિત બિનખેતી મંજૂરી મેળવવાની અરજી દફતરે રદ કરવાનો હુકમ કર્યો છે.વાંધેદાર સતવારા વેજીબેન હીરજી ઉર્ફે હીરાલાલ તરફેથી એડવોકેટ ગિરીશ આર. ગોજીયા, ભાવેશ ડી. કરંગીયા, અભિષેક વી. રાઠોડ, સચીન એમ. હોરિયા, દીપક ડી. કરમુર તથા દીવ્યેશ એસ. ગોજીયા રોકાયેલા હતા.

