કાલાવડ ગ્રામ્ય પોલીસે બે આરોપીઓને ઝડપી લઈ ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ કર્યો રિકવર કર્યો
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૫
Jamnagar કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખંઢેરા ગામની સીમમાં ફુલઝર-૧ નદીના પટ્ટ વિસ્તારમાંથી કોપર વાયરની ચોરીના વણશોધાયેલા ગુનાનો કાલાવડ ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૩૦૩(૨) હેઠળ નોંધાયેલા ગુનામાં અજાણ્યા શખ્સો ખંઢેરા ગામની ઢુકડી વાડી સીમ વિસ્તારમાં ખેડૂતોએ પાણીની મોટરમાં લગાવેલા અંદાજે ૬૩૦ ફૂટ કોપર વાયર રાત્રિના સમયે ચોરી કરી લઈ ગયા હતા.
જે ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. આંબલિયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.જે. જાદવ વગેરેને મળેલી ખાનગી બાતમીના આધારે વરૂડી માતાજીના પાટિયા પાસે આવેલા પાણીના ટાંકા પાછળ નદીના વોકળામાં દરોડો પાડ્યો હતો.ત્યાં બે શખ્સો ધીરુભાઈ ઉર્ફે બંસીભાઈ મનજીભાઈ વાઘેલા (ઉ.વ. ૪૧), મૂળ રહે. દેરાળા, તા. ગઢડા, જી. બોટાદ, હાલ રહે. ખંઢેરા સીમ, વરૂડી માતાના પાટિયા પાસે, તા. કાલાવડ, તેમજ પિન્ટુભાઈ મુકેશભાઈ પરમાર (ઉ.વ. ૨૧), મૂળ રહે. ગુલાબનગર, અલીશાપીરની દરગાહ પાછળ, જામનગર, હાલ રહે. ખંઢેરા સીમ, વરૂડી માતાના પાટિયા પાસે, તા. કાલાવડ, જી. જામનગર. ચોરી કરેલો કોપર કેબલ સળગાવી રહ્યા હોવાનું જણાતા પોલીસે બંનેને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ચોરી કરેલો તમામ કોપર કેબલ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલી મોટરસાયકલ અને કુહાડો કબજે કરવામાં આવ્યા હતા.

