દેશના વિવિધ રાજ્યોના ૧૬ લોકો સાથે સાયબર ફ્રોડ કરતા ૧૪ ફરિયાદ તો નોંધાઈ ચૂકી છે
(મિલન જોશી દ્વારા)
Junagadh તા.૧૭
Junagadhની બેંક ઓફ બરોડાના એક ખાતા ધારક સામે દેશના વિવિધ રાજ્યમાંથી કરોડો રૂપિયાની ગેરકાયદેસર હેરફેર થઈ હોવાનું સામે આવતા, જુનાગઢ સાયબર પોલીસે અજાણ્યા બેંક એકાઉન્ટ ધારક વિરુધ્ધ ગુનો નોંધી, આગળની તપાસ સાયબર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ. ચાવડાએ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત સમન્વય પોર્ટલ પરથી મળેલી વિગતોના આધારે જૂનાગઢ સાયબર સેલ દ્વારા તપાસ હાથ ધરાતા, બેંક ઓફ બરોડાના એક ખાતામાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ ચંદીગઢ, દિલ્હી, કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ રાજ્ય માંથી ૧૬ લોકોની સાયબર ફ્રોડ દ્વારા રૂ. ૬,૧૪,૨૯,૨૪૫ જેવી માતબર રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેમાંથી રૂ. ૮૫,૩૨,૦૩૬ ગેરકાયદેસર રીતે ટ્રાન્ઝેક્શન દ્વારા સગેવગે કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. તે સાથે આ ખાતા ધારક સામે દેશના વિવિધ રાજ્યોમાં ઓનલાઈન છેતરપિંડી અંગેની કુલ ૧૫ ફરિયાદો નોંધાઈ હતી.
જે અંગે Junagadh સાયબર પોલીસ સ્ટેશનના પો.કો. માનસિંગ નાજાભાઈ ગાંગણાએ જુનાગઢ બેંક ઓફ બરોડાના અજાણ્યા ખાતા ધારક સામે ફરિયાદ નોંધાવી છે. જેની આગળની તપાસ સાયબર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.એમ. ચાવડાએ હાથ ધરી છે. અને આરોપી બેંક ખાતા ધારક સહિત અન્ય સંડોવાયેલા અજાણ્યા ગુનેગારોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

