New Delhi,તા. 19
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશવાસીઓને ‘એક વર્ષ સુધી સોનું ન ખરીદવા’ની અપીલ અને સરકાર દ્વારા આયાત પર અંકુશ લગાવવાના કડક પગલાંની સીધી અસર હવે બજાર પર દેખાવા લાગી છે.
સરકારી આંકડાઓ અનુસાર, દેશમાં સોનાની આયાતમાં જથ્થા (વોલ્યુમ) ના હિસાબે આશરે 70 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. આયાત ડ્યુટીમાં કરાયેલા વધારા બાદ સોનાની સત્તાવાર ખરીદીમાં આ મોટો આંચકો આવ્યો છે.
એક વરિષ્ઠ અધિકારીએ આપેલી વિગત મુજબ, ગત 13 મે ના રોજ સોના પરની આયાત ડ્યુટી 6 ટકાથી સીધી વધારીને 15 ટકા કરવામાં આવી હતી. આ ટેક્સ વધારા બાદનાં એક જ મહિનામાં દેશમાં સોનાની આયાત, જે અગાઉ દર મહિને સરેરાશ 75 થી 100 ટન આસપાસ રહેતી હતી, તે ગગડીને માત્ર 25 થી 30 ટન જેટલી જ રહી ગઈ છે. પીએમની અપીલ અને મોંઘા થયેલાં ટેક્સના કારણે સ્થાનિક સ્તરે સોનાની સત્તાવાર આયાત પર બે્રક વાગી છે.
જોકે, જથ્થો ઘટવા છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનાં ભાવ રેકોર્ડ સપાટી પર હોવાને કારણે દેશની તિજોરી પરનું આર્થિક ભારણ વધ્યું છે. રૂપિયાની દ્રષ્ટિએ જોઈએ તો, મે મહિનામાં સોનાની આયાત વાર્ષિક ધોરણે 34 ટકા વધીને 3.41 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.
આ જ રીતે એપ્રિલ-મે મહિનાના ગાળા દરમિયાન પણ સોનાની કુલ આયાત મૂલ્યની દ્રષ્ટિએ 60.14 ટકા વધીને 9.04 અબજ ડોલર નોંધાઈ છે, જેનું મુખ્ય કારણ સોનાની ઊંચી કિંમતો છે.
આ અગાઉનાં નાણાકીય વર્ષ 2025-26 માં ભારતે રેકોર્ડબે્રક 71.98 અબજ ડોલરના મૂલ્યનું સોનું ખરીદ્યું હતું, જે તેનાં આગલાં વર્ષ કરતાં 24 ટકા વધુ હતું. જોકે, તે વર્ષે પણ જથ્થાની દ્રષ્ટિએ 4.76 ટકાનો ઘટાડો થયો હતો અને કુલ આયાત 721.03 ટન રહી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતની કુલ આયાતમાં સોનાનો હિસ્સો 5 ટકા કરતાં પણ વધારે છે, જેના કારણે દેશની વેપાર ખાધ પર તેની સીધી અસર પડે છે. સત્તાવાર અહેવાલો મુજબ, આયાતમાં આ ઘટાડાથી વિદેશી હૂંડિયામણની બચત થવાની આશા છે.

