આકારણીની કાર્યવાહી પેન્ડિંગ હોવા માત્રથી ગુનાહિત કેસની સુનાવણી અટકતી નથી,કોર્ટ
Harpalsinh Jadeja,Rajkot,તા.19
નોટ બંધીના સમય દરમિયાન રૂપિયા 2000 ના દરની ₹8,00,000 ની કિંમતની નોટો સાથે ઝડપાયેલ વેપારી અશોક કોશિયા ને કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. નોટબંધી દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા શહેરના મોરબી રોડ ઓવરબ્રિજ નજીક ભગવતી પરા શેરી નંબર ત્રણમાં રહેતા વેપારી અશોક કોશિયાની તે સમયે નવી બહાર પડેલી બે હજારના દરની 8 લાખ મળી 8.35 લાખની રોકડ રકમ સાથે પકડવામાં આવ્યો હતો. બાદ પોલીસે આવકવેરા વિભાગને જાણ કરતા સ્ટાફ દ્વારા વેપારીના અલગ-અલગ ત્રણ તારીખોએ નિવેદનો નોંધવામાં આવ્યા હતા, જેમાં તેણે પરસ્પર વિરોધાભાસી વાતો કરી હતી. શરૂઆતમાં તેણે જણાવ્યું કે તે 3 લાખ રૂપિયા તેના મિત્ર પાસેથી લોન પેટે લીધા હતા અને બાલાજી પ્રોવિઝન સ્ટોર્સ ચલાવે રકમ ગ્રાહકો પાસેથી મળી હતી. બે હજારના દરની નવી નોટો ક્યાંથી આવી તેનો કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહી બાદમાં જ્યારે કેશ બુક અને બેંક બુક રજૂ કરાઈ, ત્યારે નોટબંધી પછી માત્ર 1.14 લાખ જેટલા રૂપિયા જ જમા થયેલા દેખાતા હતા. બે હજારના દરની નવી નોટો ક્યાંથી આવી તેનો કોઈ સંતોષકારક ખુલાસો કે મિત્રની આર્થિક સક્ષમતાના પુરાવા આરોપી આપી શક્યો નહોતો. તેણે હિસાબી ચોપડા રાખવા બાબતે પણ ખોટા અને બદલાતા જવાબો આપ્યા હતા.તપાસ દરમિયાન આવકવેરા અધિકારીએ આરોપીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 50 ટકા ટેક્સ ભરીને આ નાણાં કાયદેસર કરવાનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ ટેક્સ કન્સલ્ટન્ટ સાથે વાત કર્યા બાદ આરોપીએ આ યોજનાનો લાભ લેવાની ના પાડી દીધી હતી.બાદ વેપારી અશોક કોશિયા સામે આવકવેરા વિભાગના અધિકારી વી એમ ડાંગરે ફરિયાદ નોંધાવી હતી. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં આરોપીના વકીલે એવી દલીલ કરી હતી કે એસેસમેન્ટની અપીલ પેન્ડિંગ છે, જ્યારે સરકારી વકીલ ઉમાશંકર યાદવએ સાક્ષીઓ અને પુરાવાઓ તપાસી ધારદાર દલીલો કરી હતી તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને ત્રીજા અધિક જેએમએફસી મેજિસ્ટ્રેટ ડી ડી શાહએ કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો હવાલો આપતા જણાવ્યું હતું કે આકારણીની કાર્યવાહી પેન્ડિંગ હોવા માત્રથી ગુનાહિત કેસની સુનાવણી અટકતી નથી. આરોપી જાણીજોઈને ખોટા નિવેદનો આપી રહ્યો હતો તે સાબિત થાય છે. આથી વેપારી અશોક કોશિયાને દોષિત જાહેર કરી 2 વર્ષની સખત કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

