New Delhi, તા. 20
શેરબજારના નિયમનકાર સેબીની બોર્ડ બેઠકમાં શુક્રવારે મૃત રોકાણકારોના નામે રહેલી સિક્યોરિટીઝ તેમનાં કાનૂની વારસદારો કે દાવેદારોને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને વધુ સરળ અને પ્રમાણિત કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
વારસદારો માટે ક્લેમ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે સેબીએ નાની કિંમતનાં ક્લેમની મર્યાદા ફિઝિકલ શેર માટે વધારીને 10 લાખ રૂપિયા અને ડીમેટ શેર માટે 30 લાખ રૂપિયા સુધી કરી દીધી છે.
આ ઉપરાંત, સેબીએ બાયબેક પ્રક્રિયાની જટિલતા ઘટાડવા અને રોકાણકારોના હિતોના રક્ષણ માટે સ્ટોક એક્સચેન્જ મિકેનિઝમ દ્વારા ‘ઓપન માર્કેટ શેર બાયબેક’ પ્રક્રિયા દેશમાં ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.
શેર ટ્રાન્સફરની વહીવટી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સેબીએ કેટલીક કાનૂની જરૂરિયાતો નાબૂદ કરી છે. હવેથી વારસદારોએ શેર ટ્રાન્સફર માટે અલગથી પાન કાર્ડ સબમિટ કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે આ ટ્રાન્સફર જે ડીમેટ ખાતામાં થવાનું છે તે ખોલાવવા માટે પાન કાર્ડ પહેલેથી જ અનિવાર્ય હોય છે.
આ સિવાય, ઉત્તરાધિકારના નવા કાયદાઓને ધ્યાનમાં રાખીને વિલનું પ્રોબેટ મેળવવાની ફરજિયાત શરત પણ દૂર કરવામાં આવી છે. વારસદારોએ હવે અલગ-અલગ એફિડેવિટ અને એનઓસી આપવાનાં બદલે માત્ર એક જ કમ્બાઈન્ડ ‘એફિડેવિટ-કમ-NOC’ આપવાનું રહેશે, તેમજ ક્યુઆર કોડ ધરાવતાં ડેથ સર્ટિફિકેટ પણ માન્ય રાખવામાં આવશે.
સેબી બોર્ડ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ હાઉસો માટે લિક્વિડિટીની કટોકટીને પહોંચી વળવા ઇન્ટ્રા-ડે બોરોઇંગ (દિવસ દરમિયાન લોન લેવાની સુવિધા) મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે. સાથે જ, સેબીના કર્મચારીઓ અને સભ્યોની કામગીરીમાં વધુ પારદર્શિતા લાવવા માટે એક નવો ‘કોડ ઓફ ક્નડક્ટ’ મંજૂર કરાયો છે.
સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેએ એક મહત્વની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ભારતમાં કોઈ પણ સ્ટોક એક્સચેન્જ કે તેની ગ્રુપ કંપનીને પોતાનાં જ પ્લેટફોર્મ પર લિસ્ટ થવાની મંજૂરી આપવાની કોઈ દરખાસ્ત પર હાલ વિચારણા ચાલી રહી નથી; જેમ કે હાલમાં પણ BSE ના શેરનું ટ્રેડિંગ માત્ર ગજઊ પર જ થાય છે.

