(જીજ્ઞેશ પટેલ દ્વારા)
Manavadar તા.૨૦
Manavadar શહેરમાં સ્મશાન સામે આવેલા વર્ષો જૂના કુદરતી વોકળા પર થઈ રહેલા ગેરકાયદેસર દબાણને લઈને સ્થાનિક રહીશોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક આગેવાન આશિષ છત્રાળા અને અન્ય રહીશોએ આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આજે સ્મશાન સામેના વિસ્તારના લોકોએ નાયબ મામલતદાર અને નગરપાલિકાને આવેદનપત્ર પાઠવ્યું હતું
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ મહત્વપૂર્ણ જળ નિકાલના માર્ગ પર થઈ રહેલા દબાણ અંગે અગાઉ પણ ચીફ ઓફિસરને રૂબરૂ તેમજ ટેલિફોનિક માધ્યમથી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. જો કે, આશ્ચર્યજનક રીતે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાને બદલે ચીફ ઓફિસર એવો બચાવ કરી રહ્યા છે કે ત્યાં ’સારું કામ’ થઈ રહ્યું છે, જેને પગલે સ્થાનિકોમાં કચેરીની મિલીભગત હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ ઘણો નીચાણવાળો છે અને ઉપરવાસની તમામ સોસાયટીઓનું પાણી આ જ વોકળા મારફતે નવા નાલા તરફ વહી જાય છે. ગત વર્ષે પણ આ વિસ્તારમાં ૪-૪ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જેના વીડિયો પુરાવા પણ સ્થાનિકો પાસે મોજૂદ છે. જો આ ગેરકાયદે દબાણ તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે, તો આગામી ચોમાસામાં જળબંબોળની સ્થિતિ સર્જાશે અને લોકોના માલ-મિલકતને મોટું નુકસાન થઈ શકે છે.
આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે આજે સ્થાનિકો નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જો કે, ચીફ ઓફિસર પોતાની ખુરશી પર હાજર ન હોવાથી નારાજ થયેલા લોકોએ સંબંધિત ટેબલના કર્મચારીને આવેદનપત્ર સોંપીને વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારતા સવાલ કર્યો છે કે, જો ચોમાસા દરમિયાન અહીં કોઈ જાનહાની કે આર્થિક નુકસાન થશે, તો તેની જવાબદારી ચીફ ઓફિસર, નગરપાલિકા, કે કલેક્ટર કોની રહેશે?આ અંગે નાયબ મામલતદાર પી.બી.પંડયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ બાબતે અમે આવેદનપત્રની નકલ ચીફ ઓફિસરને રવાના કરીશું

