Rajkot તા.૨૨
વોર્ડ નં.૧૦ના સૌરાષ્ટ્ર યુનિ. રોડ પર આવેલા વર્ષો જુના ગુજરાત ગ્રામ્ય ગૃહનિર્માણ બોર્ડે બનાવેલા જર્જરીત આવાસોના રીપેરીંગ, રીનોવેશન કે બાંધકામ સલામત કરવાની કોઇ કાર્યવાહી સરકાર કે આસામીઓ દ્વારા કરવામાં આવતી ન હોય, આજે ચોમાસા પૂર્વે દર વર્ષની જેમ ફરી મહાપાલિકાની વેસ્ટ ઝોન કચેરીએ નળ, ગટર સુવિધા કાપવાની અને જર્જરીત ભાગ તોડવાની કાર્યવાહી કરતા સવારમાં આ આવાસ યોજનામાં દેકારો બોલી ગયો હતો. વિરોધ વચ્ચે રહેવાસીઓ બહાર આવી ગયા હતા અને એક વડીલ પાઇપલાઇનના ખાડામાં સુઇ જતા દોડધામ થઇ પડી હતી.
આ બાદ રહેવાસીઓ મહાપાલિકા કચેરીએ દોડયા હતા અને મેયરને રજુઆત કરી હતી. હાલ આ આવાસ યોજનામાં પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. તો રહેવાસીઓ પોતાના મકાન સલામત કરી લેશે અથવા સલામત જ છે તેવું સોગંદનામું આપે એટલે કોઇના નળ જોડાણ કાપવામાં નહીં આવે તેવી ડો. નેહલ શુકલએ ખાતરી આપતા રહેવાસીઓ પરત ફર્યા હતા.
હવે મનપાની માંગણી મુજબના સોગંદનામા આપીને રહેવાસીઓ તેમના ઘરની સાથે નળ, ગટર જોડાણ પણ સલામત રાખી શકશે. પખવાડીયા અગાઉ મહાપાલિકા દ્વારા જર્જરીત બાંધકામના કારણે આવા આવાસો ખાલી કરવા નોટીસ આપવામાં આવી હતી.
શહીદ ભગતસિંહ ગાર્ડન સામેના આ આવાસમાં કુલ ૭૯૨ ફલેટ છે અને જર્જરીત હાલત વચ્ચે ત્રણ હજાર જેટલા લોકો રહે છે. આજે સવારમાં વેસ્ટ ઝોન કચેરીઓ સ્ટાફ કાર્યવાહી કરવા પહોંચતા અને નળ જોડાણ કાપવા ખાડો ખોદતા એક વૃધ્ધ ખાડામાં સુઇ ગયા હતા. જગ્યા પર એક જર્જરીત સ્લેબ તોડાતા કવાર્ટર તોડી નાંખવામાં આવશે તેવા ભયથી લોકો એકઠા થઇ ગયા હતા. બાદમાં કોઇએ મેયરને ફોન કર્યો હતો.
રહેવાસીઓ બપોરે મનપા કચેરીએ આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા બે થી પાંચ લાખનો ખર્ચ કરાવ્યો છે. બધા વેરા ભરીએ છીએ. હવે ચોમાસા પૂર્વે પરિવારોને લઇને કયાં જવું. નળ, ગટર જોડાણ કાપવાથી મોટી તકલીફ પડે તેમ છે. આજે સાંજે વીજ જોડાણ કાપવાની પણ ચીમકી અપાઇ છે. મેયરે સંપૂર્ણ રજુઆત જાણ્યા બાદ કહ્યું હતું કે, કોર્પો.નો હેતુ લોકોની સલામતીનો છે. બાકી મનપાની આ જગ્યામાં કોઇ ભૂમિકા નથી. રાજય સરકારના પંચાયત વિભાગ હેઠળના ગ્રામ્ય ગૃહનિર્માણ બોર્ડે આ આવાસ યોજના બનાવેલી છે.
જે જર્જરીત થતા અકસ્માત ન થાય તે માટે પગલા લેવાઇ રહ્યા છે. છતાં લોકોએ રીનોવેશન કર્યુ હોય અને બાંધકામ સલામત લાગતું હોય તો જાતે નિયત ફોર્મેટમાં સોગંદનામું આપે તેવા આસામીઓના નળ, ગટર જોડાણ કાપવામાં નહીં આવે.
આ ખાતરીથી રહેવાસીઓને રાહત થઇ ગઇ હતી. હવે આગળની કાર્યવાહી સાથે વોર્ડના કોર્પોરેટરોને સાથે લાવવા પણ મેયરે કહ્યું હતું. નગરસેવકોએ પણ આ બાબત મેયરના ધ્યાને મુકતા તાત્કાલીક કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.
વધુમાં આ ટાઉનશીપમાં આમ તો વર્ષોથી અમુક ભાગ ખખડી ગયા છે. વરસાદમાં બાંધકામ વધુ નબળુ પડવાનો ભય રહે છે. આથી અન્ય આવાસોની જેમ અહીં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. વેસ્ટ ઝોનના સીટી ઇજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું કે, હાલ પાણીની લાઇન કાપી નાંખવામાં આવી છે. લોકો સોગંદનામા આપે તે બાદ ફરી પાણી પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.

