Gandhinagar,તા.૨૩
Gandhinagar જિલ્લાના માણસા પોલીસ મથકમાં ફરજ બજાવતા યુવા પોલીસકર્મીએ ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા સમગ્ર પોલીસ બેડામાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં જ સેક્ટર-૭ના હેડ કોન્સ્ટેબલના આપઘાત બાદ સર્જાયેલી આ બીજી ઘટનાએ પોલીસ કર્મચારીઓ પર રહેલા અતિશય કાર્યભાર અને માનસિક તણાવના ગંભીર મુદ્દાને ફરી એકવાર ચર્ચાના એરણે લાવી દીધો છે.
મળતી માહિતી અનુસાર, મૂળ મહેસાણાના વતની અને છેલ્લા બે વર્ષથી માણસા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક દળ તરીકે ફરજ બજાવતા ૨૮ વર્ષીય પર્વ ગોસ્વામી ગાંધીનગરના ગ્રામ ભારતી ચોકડી પાસે આવેલી સ્વપ્નશીલ સોસાયટીમાં પત્ની અને એક નાના પુત્ર સાથે રહેતા હતા. ગઈકાલે રાત્રે જ્યારે તેમના પત્ની કોઈ કામ અર્થે થોડા સમય માટે ઘરની બહાર ગયા હતા, ત્યારે એકલતાનો લાભ લઈ પર્વએ ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
પત્ની જ્યારે પરત ફરી ત્યારે પતિને આ હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ માણસા પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ આત્મઘાતી પગલાં પાછળ પારિવારિક વિખવાદ કારણભૂત હોવાનું પ્રાથમિક તબક્કે ચર્ચાઈ રહ્યું છે.ગાંધીનગર જિલ્લામાં પોલીસ જવાનો દ્વારા આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં જ સેક્ટર-૭ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ પણ પેથાપુરમાં પોતાના ઘરે આ જ રીતે ગળેફાંસો ખાઈને જીવ ટૂંકાવ્યો હતો.

