Narmada,તા.૨૩
ગુજરાતના રાજકારણમાં આજે એક બહુ જ મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (આપ)ના ડેડીયાપાડાના લોકપ્રિય અને ફાયરબ્રાન્ડ ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા અને ધમકી આપવાના ચકચારી કેસમાં દોષિત જાહેર કર્યા છે. નર્મદા (રાજપીપળા) સેશન્સ કોર્ટે આ મામલે એક ઐતિહાસિક અને મહત્વનો ચુકાદો આપ્યો છે.
લાંબી કાનૂની પ્રક્રિયા અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા સહિતના આરોપીઓને કડક સજા સંભળાવી છે. જેમાં તમામ દોષિતોને ૭ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે અને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ કેસમાં માત્ર ધારાસભ્ય ચૈતર વસાવા જ નહીં, પરંતુ તેમની સાથે સંડોવાયેલા અન્ય તમામ લોકોને પણ કોર્ટે ગુનેગાર ઠેરવ્યા છે. કોર્ટે આ કેસમાં કુલ ૯ લોકોને દોષિત જાહેર કર્યા છે. જેમાં ૪ મહિલાઓ અને ૫ પુરુષોનો સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત એ છે કે દોષિત જાહેર થયેલા લોકોમાં ઘારાસભ્ય ચૈતર વસાવાના પત્નીનો પણ સમાવેશ થાય છે.
આ વિવાદ વન વિભાગના કર્મચારીઓ સાથે થયેલી એક ગંભીર ઘટના સાથે જોડાયેલો છે. ચૈતર વસાવા અને તેમના સમર્થકો પર વન વિભાગના કર્મચારીઓ ફરજ પર હતા ત્યારે તેમના પર હુમલો કરવાનો, હવામાં ફાયરિંગ કરવાનો અને સરકારી કર્મચારીઓને ધમકી આપવાનો ગંભીર આક્ષેપ હતો. આ ચકચારી કેસ બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો અને લાંબી કાનૂની લડત બાદ આજે કોર્ટે આ મામલે અંતિમ મહોર લગાવી દીધી છે.
હવે આ કેસમાં તમામ આરોપીઓને ૭ વર્ષની સજા થવાના કારણે હવે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ જોખમમાં આવી શકે છે, કારણ કે કાયદા મુજબ ૨ વર્ષ કે તેથી વધુની સજા થતાં જ લોકપ્રતિનિધિ પોતાનું પદ ગુમાવવું પડે છે. આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં આ એક બહુ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

