Karachi, તા. 24
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સુરક્ષા દળોની તૈનાતી અને કાર્યકરો પર દમન સામે ચાલી રહેલા આંદોલનમાં તણાવ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી પ્રદર્શનો ચાલુ છે.
હવે જોઇન્ટ આવામી એકશન કમિટીએ પાકિસ્તાની વહીવટીતંત્રને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનશે.
રાવલાકોટમાં એક વિશાળ જાહેર સભાને સંબોધતા સરદાર અમાન કાશ્મીરીએ કહ્યું કે, ‘પ્રદર્શનકારીઓ અત્યાર સુધી શાંતિપૂર્ણ રહ્યા છે અને તેમને હિંસા તરફ ધકેલવા જોઈએ નહીં.’ પાકિસ્તાની રેન્જર્સ અને અન્ય સુરક્ષા દળોની વધેલી તૈનાતી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘ઇસ્લામાબાદને કાશ્મીર ખીણમાં લશ્કરી દળ વધારવાનો કોઈ અધિકાર નથી.’
સરદાર અમાન કાશ્મીરીએ યુએનના ઠરાવો ટાંકીને સુરક્ષા દળોને પાછા ખેંચવાની માગ કરતા કહ્યું કે, ‘અમે શાંતિપ્રિય લોકો છીએ અને હિંસા તરફ ધકેલવા ન જોઈએ. ફક્ત અમારી માંગણીઓ પૂર્ણ કરો.’
પ્રદર્શનકારીઓએ એક સૂરમાં સૂત્રોચ્ચાર કર્યા કે, ‘આ દેશ અમારો છે.’ તેમણે દબાણ છતાં વિરોધ બંધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. નેતાઓનો આરોપ છે કે, પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ છેલ્લા ત્રણ અઠવાડિયામાં 1,500 થી વધુ લોકોની અટકાયત કરી છે. પાકિસ્તાની રેન્જર્સે રાત્રે શૌકત નવાઝ મીરના ઘરે દરોડા પાડ્યા હતા અને તોડફોડ કરી હતી.
જો પાકિસ્તાન સરકાર માંગણીઓને અવગણશે, તો PoKમાં વ્યાપક અશાંતિ ફાટી શકે છે. સ્થાનિક લોકો પહેલાથી જ પાકિસ્તાની શાસનથી અસંતુષ્ટ હોવાનું કહેવાય છે. નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, તેઓ તેમની માંગણીઓ માટે સંઘર્ષ ચાલુ રાખશે અને કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં.

