Vadodara, તા..24
ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે.
આ તમામ આરોપીઓને નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ગંભીર કેસમાં સાત વર્ષની કેદની સજા ફટકારી છે.
વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચ્યા બાદ, જેલ પ્રશાસન દ્વારા નિયત કરવામાં આવેલી તમામ કાયદાકીય અને વહીવટી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં આરોપીઓના મેડિકલ ચેકઅપથી લઈને તેમના કેદી નંબરની ફાળવણી, બેરેકની ફાળવણી અને જેલના નિયમો અને પ્રક્રિયાઓની સમજ આપવાનો સમાવેશ થાય છે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જેલ પ્રશાસન દ્વારા તમામ કાનૂની અને વહીવટી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીઓને અલગ-અલગ બેરેક ફાળવવામાં આવશે. માહિતી અનુસાર, ચૈતર વસાવાને જેલમાં કેદી નંબર 90888 ફાળવવામાં આવ્યો છે અને હવે તેઓ આ નંબરથી ઓળખાશે. તેમની પત્ની સહિત અન્ય આરોપીઓની પણ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરીને જેલના નિયમો અનુસાર વ્યવસ્થા કરવામાં આવી છે.

