New Delhi,તા.24
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાટર પુરો થતા જ અને આવકવેરા વિભાગે ચાલુ વર્ષના કરવેરા લક્ષ્યાંકમાં કોઈ ઘટ રહી ન જાય તે માટે અત્યારથી જ કમર કસી છે તથા હવે આઈટી વિભાગ સેકટર વાઈઝ કરદાતાઓ પર નજર રાખશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષ દ્વારા તમામ ઝોનલ હેડને પાઠવવામાં આવેલા પરિપત્રમાં આવકવેરાની સેકટરવાઈઝ આવકના આંકડા પર નજર રાખવા ખાસ તાકીદ કરી છે. અગાઉના વર્ષમાં જે તે સેકટર એટલે કે વિવિધ વ્યાપારી વર્ગ ક્ષેત્રમાં આવકવેરાની જે રકમ મળી છે તેમાં અને ખાસ કરીને જેઓ એડવાન્સ ટેક્ષ ભરપાઈ કરે છે.
તેઓના અગાઉના એડવાન્સ ટેક્ષ તથા હાલ જે રકમ ભરપાઈ થાય તેના આંકડાના તુલનાત્મક અભ્યાસ કરી જો તેમાં કોઈ અસાધારણ ઘટ થઈ હોય તો તે પણ રિપોર્ટ કરવાનો રહેશે.
એટલું જ નહી `આવકવેરા’નું કલેકશન વધે તે માટે ખોટા- કોઈ કરલાભ લેવાયા હોય તો તેની પણ ખાસ ચકાસણી કરવા જોખમ આધારીત એસેસમેન્ટ વધારવા પણ જણાવાયુ છે.
આ માટે તમામ ઝોન તા.31 જુલાઈ સુધીમાં તેનો પ્રથમ રિપોર્ટ આપી દેવાનો રહેશે. હાલની ફેબ્રુઆરી માસથી શરૂ થયેલી ઈરાન કટોકટી છતા સીધા કરવેરાની આવક વાર્ષિક ગણતરીએ 15% વધી છે. તા.17 સુધીમાં તે 5.21 લાખ કરોડ નોંધાઈ છે.
કોર્પોરેટ ટેક્ષમાં 22%નો વધારો થયો છે તથા પ્રથમ કવાટરના સારા રિઝલ્ટના કારણે એડવાન્સ ટેક્ષની આવક પણ વધે છે. જે 15.30% વધીને 1.78 લાખ કરોડ નોંધાઈ છે પણ તેની સામે રીફંડ કલેમ વધ્યા છે. સેકટરવાઈઝ જે આવક છે તેમાં પણ અગાઉ કરતા ફેરફાર નોંધાયા છે.
જેથી સેકટરવાઈઝ એનાલીસીસથી જે તે સેકટરમાં કેમ કર વસુલાતમાં તફાવત થયો તે પણ વિશ્લેષણ થશે. દરેક ઝોન સેકટર વાઈઝ તેના જે મોટા કરદાતા છે તેની યાદી તૈયાર કરવાની રહેશે અને તેમાં આવકવેરાના આંકડાનો તુલનાત્મક અભ્યાસ કરવાનો રહેશે તથા મોટા કરદાતાના સીધા સંપર્કમાં રહી તેઓના એડવાન્સ ટેક્ષ ભરવામાં સહાયતા કરવાની રહેશે તથા ગત વર્ષની સરખામણીમાં આવકવેરા ભરપાઈમાં મોટો તફાવત દેખાયો હોય તો તુર્તજ રીપોર્ટીંગ કરવાનું રહેશે.

