Washington, તા. 24
આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિઓનેલ મેસીએ ઓસ્ટ્રિયા સામેની વર્લ્ડ કપ મેચમાં બે ગોલ ફટકારીને ફિફા ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં નોંધાવી દીધું છે.
મેસી હવે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સર્વાધિક ગોલ કરનારા ખેલાડી બની ગયાં છે. તેમનાં નામે હવે કુલ 18 ગોલ નોંધાઈ ચૂક્યાં છે. આ પહેલાં, અલ્જીરિયા સામે શાનદાર હેટ્રિક ફટકારીને તેમણે જર્મનીના દિગ્ગજ સ્ટ્રાઇકર મિરોસ્લાવ ક્લોઝના 16 ગોલના રેકોર્ડની બરાબરી કરી હતી. મેસી અને એમબાપ્પે વચ્ચે રેકોર્ડ્સની આ ‘રોકેટ વોર’ એ વર્લ્ડ કપના રોમાંચને ચરમસીમાએ પહોંચાડી દીધો છે.
આજ મેસીનો 39મો જન્મદિવસ
જોકે, મેસીએ કરિયરના જે શિખરને સ્પર્શી લીધું છે, ત્યાં સુધી પહોંચવું એમબાપ્પે માટે જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે પણ ખૂબ મુશ્કેલ હશે. ઓસ્ટ્રિયાના કોચ રાલ્ફ રેગનિકે તેમની પ્રશંસામાં સચોટ જ કહ્યું હતું કે “39 વર્ષની ઉંમરે કોઈ ખેલાડી બે ગોલ કરી રહ્યો છે.
ટૂર્નામેન્ટની શરૂઆતની બે મેચોમાં જ પાંચ ગોલ ફટકારી ચૂક્યો છે, બસ આ જ તફાવત છે. લિઓનેલ મેસીએ સાબિત કરી દીધું કે તેઓ દુનિયાનાં શ્રેષ્ઠ ખેલાડીઓમાં પણ શ્રેષ્ઠ છે.”
બીમાર પિતા અને બર્થડે
મેસી આજે 39 વર્ષનાં થઈ જશે. આ દિવસે તેઓ મિશ્ર લાગણીઓમાંથી પસાર થશે. તેમનાં પિતા આર્જેન્ટિનામાં બીમાર છે. મેસી પોતાનાં પરિવારથી આશરે 10 હજાર કિલોમીટર દૂર છે, પરંતુ તેમણે પિતાની ચિંતાની અસર પોતાની રમત પર પડવા દીધી નથી. વર્લ્ડ કપમાં આર્જેન્ટિના તરફથી અત્યાર સુધીના પાંચેય ગોલ તેમનાં નામે જ છે.
ચૂકની ભરપાઈ કરવાની કલા
આ ગોલથી બરાબર અડધાં કલાક પહેલાં તેઓ એક પેનલ્ટી ચૂક્યાં હતાં. મેચની નવમી મિનિટે જ્યારે મેસી પેનલ્ટી પર ગોલ ન કરી શક્યાં ત્યારે સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. બાર પરથી તેમનો શોટ જમણી પોસ્ટની બહાર નીકળી ગયો હતો.
આઠ વખતનાં ‘બેલોન ડી ઓર’ વિજેતા મેસીએ કહ્યું, “પેનલ્ટી પર ગોલ ન કરી શકવાથી હું ખૂબ નારાજ હતો, પરંતુ તે પછી મેં તેની ભરપાઈ કરી લીધી.” મેસીની આ જ ખાસિયત છે કે તેઓ એક ભૂલ પછી વધુ આક્રમક થઈ જાય છે અને તે ભૂલની ભરપાઈ ગમે તે ભોગે કરવા માંગે છે.
મેસીના વર્લ્ડ કપ આંકડા અને મહા રેકોર્ડ્સ
લિઓનેલ મેસીએ કહ્યું કે “વર્લ્ડ કપની તમામ મેચો ખૂબ જ કઠિન હોય છે, કોઈ ટીમ તક નથી આપી રહી, પરંતુ હું દરેક ક્ષણનો પૂરો આનંદ માણી રહ્યો છું.”
સ્ટોપેજ ટાઇમમાં પણ એ જ સ્ફૂર્તિ
મેસીએ સ્ટોપેજ ટાઇમમાં પોતાનો 18મો ગોલ કર્યો. તેમનો પહેલો પ્રયાસ ગોલકીપર એલેક્ઝાન્ડર શ્લાગરે નિષ્ફળ બનાવ્યો હતો, જે બાદ તેમણે કેટલાય ડિફેન્ડર્સને હંફાવીને ગોલ કર્યો. મેસી પોતાનો રેકોર્ડ 17મો ગોલ કરતાની સાથે જ દોડીને મેદાનના એક ખૂણામાં ગયાં અને જમણો હાથ હવામાં ઊંચો કરીને જશ્ન મનાવ્યો. સ્ટેડિયમમાં હાજર 70,000 દર્શકોમાંથી મોટાભાગનાં આર્જેન્ટિનાના સમર્થકો હતાં.
ઐતિહાસિક સિદ્ધિઓ….
♦ 6 વર્લ્ડ કપ : 6 વર્લ્ડ કપ (2006-2026) માં ભાગ લેનારાં અને સતત 6 મેચોમાં ગોલ ફટકારનારા મેસી એકમાત્ર ખેલાડી છે.
♦ 18 ગોલ : પાંચ વર્લ્ડ કપના ઇતિહાસમાં મેસી 18 ગોલ કરી ચૂક્યાં છે અને તેઓ ઓલટાઇમ લિસ્ટમાં ટોપ પર પહોંચી ગયાં છે.
♦ 26 ગોલમાં યોગદાન : વર્લ્ડ કપમાં કુલ 26 ગોલ 18 ગોલ + 8 આસિસ્ટમાં સીધું યોગદાન આપ્યું છે. આ મામલે તેમણે મહાન પેલે 21 ગોલ યોગદાનને પાછળ છોડી દીધાં છે.
♦ 28 મેચ : ફિફા વર્લ્ડ કપમાં અત્યાર સુધી 28 મેચ રમી ચૂક્યાં છે અને તેઓ આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ મેચ રમનારા પ્લેયર છે.
♦ 2489 મિનિટ : ફિફા વર્લ્ડ કપની મેચોમાં મેસી કુલ 2489 મિનિટ મેદાન પર રહી ચૂક્યાં છે, જે એક મોટો રેકોર્ડ છે.
♦ 128 ડ્રિબલ્સ : વર્લ્ડ કપમાં 128 સક્સેસફુલ ડ્રિબલ્સ કર્યા છે. આ સાથે જ તેમણે મહાન ડિએગો મેરાડોનાના 105 ડ્રિબલ્સનો રેકોર્ડ તોડ્યો છે.
♦ 12 મેન ઓફ ધ મેચ : ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ 12 વખત ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડ જીતનારા તેઓ એકમાત્ર પ્લેયર છે.
♦ 2 વાર ગોલ્ડન બોલ : ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે 2 વખત ‘ગોલ્ડન બોલ’ (વર્ષ 2014 અને 2022) જીતનારા દુનિયાનાં એકમાત્ર ફૂટબોલર છે.

