Washington,તા.24
ઈમિગ્રન્ટ્સ પાસેથી કમાણી કરવાના એક પછી એક રસ્તા શોધી રહેલું ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હવે સિટીઝનશિપની ફી વધારવાની તૈયારીમાં છે. આ અંગે એક પ્રસ્તાવ થયો છે જેઅમલમાં આવતા જ N-400 ફોર્મ સબમિટ કરાવવા માટે 75-80 ટકા વધુ ફી ચૂકવવી પડશે.
આ પ્રસ્તાવિક નિયમ અનુસાર ફિઝિકલ ફોર્મ સબમિટ કરાવનારાને 760ને બદલે 1330 ડોલર જ્યારે ઓનલાઈન ફોર્મ સબમિશન માટે 710ને બદલે 1280 ડોલર ફી ચૂકવવાની રહેશે.
આ સિવાય ઓછી આવક ધરાવતા લોકો પાસેથી અત્યારસુધી ઓછી ફી લેવાઈ રહી છે પરંતુ નવા નિયમ હેઠળ આ રાહત પણ બંધ કરી દેવાશે અને સાથે જ સિટીઝનશિપ માટે અરજી કરતા મિલિટરી સર્વિસ મેમ્બર્સ સિવાય જેટલા પણ લોકોને ફી ભરવાથી રાહત આપવામાં આવી છે તે પણ પાછી ખેંચી લેવામાં આવશે.
નવો નિયમ ક્યારથી અમલમાં આવશે તેની કોઈ તારીખ હજુ સુધી જાહેર નથી કરાઈ, જોકે તે પહેલા હજુ ઘણી લાંબી કાર્યવાહી પૂરી કરવાની હોવાથી તેના અમલમાં એકાદ-બે મહિના કે તેનાથી પણ વધુ સમય લાગી શકે છે.
નેચરલાઈઝેશનની એક એપ્લિકેશન પ્રોસેસ કરવા માટે જેટલો ખર્ચો આવે છે તેના કરતા હાલ લેવામાં આવતી ફી ઘણી ઓછી છે. તેમાં વધારો કર્યા બાદ સંપૂર્ણ કોસ્ટ રિકવર કરી શકાશે. સિટીઝનશિપ માટે એપ્લાય કરનારા દરેક ઈમિગ્રન્ટની ખૂબ જ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવતી હોય છે.
જેમાં સરકારને સારો એવો ખર્ચો કરવો પડે છે. ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઈન કરીને આ તપાસને વધુ સઘન બનાવવાનો આદેશ આપ્યો હતો જેના કારણે કોસ્ટ પણ વધી ગઈ છે.
ટ્રમ્પ તંત્ર 2025થી જ ગેરકાયદે ઉપરાંત કાયદેસરના ઈમિગ્રેશન પર પણ આકરા નિયંત્રણો મૂકી રહ્યું છે જેના ભાગરૂપે સિટીઝનશિપની ફી પણ વધારવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. તેના માટેના પ્રસ્તાવમાં જણાવાયું છે કે સિટીઝન બનવા માગતા એલિયન્સ એડજ્યુડિક્શનની સંપૂર્ણ કોસ્ટ ચૂકવે તે જરૂરી છે.
હાલની ફી ઓછી હોવાથી તેની કોસ્ટને રિકવર કરવા માટે અન્ય ઈમિગ્રેશન બેનિફિટ્સ માટેની ફી ઉંચી રાખવી પડી રહી છે. ડિસેમ્બર 2016માં નેચરલાઈઝેશનની ફી 595 ડોલરથી વધારીને 640 ડોલર કરવામાં આવી હતી અને બાયોમેટ્રિક્સ માટે 85 ડોલર અલગથી ચૂકવવા પડતા હતા. ત્યારબાદ એપ્રિલ 2024માં ઓનલાઈન ફાઈલિંગની ફી 710 ડોલર જ્યારે પેપર ફાઈલિંગ માટે 760 ડોલર ફી લેવાતી હતી.
સિટીઝનશિપ લેવાની પ્રોસેસ ઘણી લાંબી છે, સિટીઝન બનતા પહેલા પરમેનન્ટ રેસિડેન્સી એટલે કે ગ્રીન કાર્ડ લેવું પડે છે. ગ્રીન કાર્ડ હોલ્ડર પાંચ વર્ષના સ્ટે દરમિયાન ઓછામાં ઓછા 30 મહિના અમેરિકામાં રહ્યો હોય તો જ તે નેચરલાઈઝેશન માટે એપ્લાય કરી શકે છે.
તેવી જ રીતે યુએસ સિટીઝન સાથે લગ્ન કરનાર ત્રણ વર્ષ બાદ સિટીઝનશિપ માટે એપ્લાય કરી શકે છે પરંતુ તેના માટે આ ગાળા દરમિયાન ઓછામાં ઓછા દોઢ વર્ષ સુધી અમેરિકામાં સ્ટે કર્યો હોય તે જરૂરી છે.

