ઇજાગ્રસ્તે પોલીસને ફોન કરતા જ ત્રણ લોકો કારમાં ધસી આવી મોબાઈલ ઝૂંટવી જાનથી મારી નાખવાની ધમકી આપી
Rajkot,તા.24
શહેરના એઇમ્સ હોસ્પિટલ રોડ નજીક રેતીનું ઓવરલોડ ભરેલુ ડમ્પરો રોકી તેનો વીડિયો ઉતારવા બાબતનો ખાર રાખીને ૧૫ થી ૧૬ શખ્સોના ટોળાએ પ્રોઢ પર સોડાની બોટલ તથા ગાડીના જેક વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. હુમલામાં ઘવાયેલા પ્રોઢને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા અમૃત હેરીટેજ વિલામાં રહેતા અને ખેતી તેમજ બિલ્ડિંગ મટીરીયલ સપ્લાયનો વ્યવસાય કરતા વિજયભાઈ નવઘણભાઈ કોઢીયાળ (આહીર) (ઉં.વ. ૪૧) ગાડી લઈને પરાપીપળીયા ગામે આવેલા પોતાના તબેલે જતા હતા. દરમિયાન એઇમ્સ હોસ્પિટલ મેઇન રોડ પર તેમની આગળ રેતી ભરેલા ત્રણ ઓવરલોડ ડમ્પર જઈ રહ્યા હતા. તેમાંથી એક ડમ્પરના ચાલકે વિજયભાઈની થાર ગાડી પર ડમ્પર દબાવતા અકસ્માત સર્જાતા રહી ગયો હતો. આથી વિજયભાઈએ મુરલીધર સર્કલથી થોડે આગળ ત્રણેય ઓવરલોડ ડમ્પરોને રોક્યા હતા અને પોતાના મોબાઈલ ફોનમાં તેનો વીડિયો ઉતારી ‘૧૧૨’ નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. વિજયભાઈ વીડિયો ઉતારી રહ્યા હતા તે જ સમયે ત્યાં ક્રેટા, સ્કોર્પીયો અને સ્વીફ્ટ જેવી ત્રણ ફોરવ્હીલ કારમાં ૧૫ થી ૧૬ જેટલા શખ્સોનું ટોળું ધસી આવ્યું હતું. જેમાં માધવ મચ્છાભાઇ ઢુંગા, અજય ઢુંગા, મેહુલભાઇ ભરવાડ, રેવાભાઈ ભરવાડ અને સુરાભાઈ ભરવાડ સહિતના આરોપીઓએ વિજયભાઈને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન અજય નામના શખ્સે વિજયભાઈનો મોબાઈલ ફોન બળજબરીપૂર્વક ઝૂંટવી આડેધડ માર માર્યો હતો. આ હુમલાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને વિજયભાઈના નાના ભાઈ હરેશભાઈ પણ ત્યાં પહોંચી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં વિજયભાઈને ૧૦૮ મારફતે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હોસ્પિટલ પહોંચી ભોગ બનનારની ફરિયાદના આધારે હુમલાખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

