Jasdan તા.25
જસદણમાં બે દિવસ પૂર્વે પિતાએ પુત્રી સાથે પાણીના ટાંકાના ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી હતી. જે બનાવમાં બે વર્ષની માસુમ બાળકી સાથે મોત વ્હોરી લેનાર યુવાનને પત્ની અને તેનો પ્રેમીઓ સતત ધમકી આપતાં હોય કંટાળીને યુવાને અંતિમ પગલું ભરી લીધાનું ખુલવા પામ્યું છે. પુત્રીની કસ્ટડી બાબતે સતત ત્રાસ આપતાં પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ જસદણ પોલીસ મથકે આપઘાતની દુષ્પ્રેરણાંની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે જસદણની ગેબનશાહ સોસાયટી શેરી નં.2 માં રહેતા 45 વર્ષીય પ્રૌઢા હસીનાબેન આરીફભાઈ પરીયાણીએ આરોપી તરીકે પુત્રવધુ ફિરદોષબેન અશરફ મુંઢવા અને તેના પ્રેમી હુસેન ઉર્ફે લાલા અસલમ ખિયાણીનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને સંતાનમા બે દિકરા છે. જેમા મોટો ફયાજ અને નાનો દીકરો ફારુખ છે. મોટા દિકરા ફયાજના લગ્ન આશરે સાતેક વર્ષ પહેલા જુનાગઢ ખાતે ફીરદોશ મુંઢવા સાથે કરેલ હતા. આ લગ્નજીવનથી તેમને સંતાનમા એક દિકરો અને દિકરી હતા.
બે મહિના પહેલા તેણીને ખબર પડેલ કે, પુત્રવધુ ફીરદોશને જસદણના હુસેન ઉર્ફે લાલા ખીયાણી સાથે પ્રેમસબંધ છે અને તેઓ એકબીજા સાથે ફોનમા વાતચીત પણ કરતા હતા. હુસેન ઘણી વખત ઘરની સામે પણ આવીને ઉભો રહેતો હતો. દિકરા ફયાજને તેઓના પ્રેમસબંધની ખબર પડતા તે ખુબ જ ઉદાસ રહેતો હતો પણ લગ્નજીવન તુટી જવાની અને બાળકો રઝળી પડવાની ભયથી તે કઈ બોલતો નહિ.
થોડા દિવસો પૂર્વે પુત્રવધુ ફીરદોશ ઘરેથી કોઈને કહ્યા વગર બન્ને બાળકોને ઘરે મુકીને ચાલી ગઈ હતી. બાદ પુત્રવધુની તપાસ કરતા તેણી ક્યાંય મળી આવી ન હતી. તે રાત્રે તેઓ પરીવારના બધા સભ્યો, જ્ઞાતિના આગેવાન હાજીભાઈ ડાયાતર બેસેલ હતા. ત્યારે ફીરદોશનો હાજીભાઈને ફોન આવેલ હતો. જેથી હાજીભાઈએ ફીરદોશ સાથે વાત કરાવેલ હતી. ફીરદોશે કહેલ કે, મારે ફયાજ સાથે નથી રહેવુ, જેથી હુ લાલા સાથે આવતી રહેલ છુ અને તેની સાથે લગ્ન કરી લઈશ અને હવેથી હુ તેની સાથે જ રહીશ.
આ વાતચીત ત્યાં હાજર બધા લોકોએ સાંભળી હતી. બે ત્રણ દિવસ પછી લાલાનો હાજીભાઈ ઉપર ફોન આવેલ હતો. હાજીભાઇએ ફયાજની તેની સાથે વાત કરાવેલ હતી. જેમા લાલાએ કહેલ કે, તારી દિકરી નુરફાતીમા મારી અને ફીરદોશની દિકરી છે, તેને મારી સાથે રાખવી છે, જેથી નુરફાતીમાને મારી પાસે મોકલી આપ, નહિતર તને જીવતો નહિ રહેવા દઉં, તારાથી કઈ નહિ થાય તેમ ધમકી આપેલ હતી. જેથી પુત્ર ડરી ગયેલ હતો.
બીજા દિવસે ફીરદોશે પણ ફીયાઝ સાથે ફોનમા વાત કરેલ અને નુરફાતીમાને સોંપી દેવા દબાણ કરી નૂરફાતેમા મારી અને લાલાની દીકરી છે, તેણીને મને સોંપી દે નહિતર તારી ઉપર ખોટા કેસ કરી તને ફસાવી દઈશ અને તને પુરો કરી નાખીશ તેમ ધમકી આપેલ હતી. જેથી દિકરો ફયાજ વધારે ડરી ગયેલ હતો. પુત્રએ માતાને કહેલ કે, મારી દિકરી મારે એ લોકોને કેમ સોંપી દેવી. આ બન્ને મળીને મને ખુબ જ માનસીક ત્રાસ આપે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે, મારાથી આ સહન નથી થતુ તેમ વાત કરેલ હતી.
બાદ ગઈ તા.22 ની રાત્રે ફયાજની દિકરી નુરફાતીમા ખુબ જ રડતી હતી અને સુતી ન હતી. જેથી તેની સારસંભાળમા તેઓ અને ફયાજ આખી રાત જાગેલ હતા. સવારે સાત વાગ્યે નુરફાતીમા સુતી ત્યારે દિકરા ફયાજે કહેલ કે, મમ્મી તમે થોડી વાર સુઈ જાવ પછી આપણે આઠેક વાગ્યે સાથે ચા-પાણી પીશુ. જેથી તેણી અને પૌત્ર સેટી ઉપર, નીચે ફયાજ અને ઘોડીયામા નુરફાતીમા સુઇ ગયેલ હતા.
થોડીવાર બાદ ઉંઘ ઉડતા ઘરમાં ફયાજ અને નૂરફાતેમા મળી આવ્યા ન હતા. જેથી બંનેની તપાસ કરતા બંનેના મૃતદેહ અગાસી પર પાણીના ટાંકામાંથી મળી આવ્યા હતા. જેથી પુત્રને ફોન કરી પુત્રીની કસ્ટડી મામલે પુત્રવધુ અને તેના પ્રેમીએ સતત ધમકીઓ આપતાં પુત્રને તેની માસુમ પુત્રી સાથે આપઘાત કરી લેવા મજબુર કરનાર બંને શખ્સો વિરુદ્ધ પ્રૌઢાની ફરીયાદ પરથી જસદણ પોલીસે આપઘાતની દુષ્પ્રેરણની કલમો હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.

