Rajkot,તા.25
શહેરના ન્યૂ 150 ફીટ રિંગ રોડ પર રાધેક્રિષ્ના હોટલ નજીક ટ્રકે મોટરસાયકલને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક 26 વર્ષીય આશાસ્પદ યુવાન રોડ પર પટકાતા તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનને તાત્કાલિક 108 મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ તાલુકાના અણિયારી ગામમાં રહેતા જેસલભાઈ પાંચાભાઈ બાંભવા (ઉં.વ. 26) ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ પોતાનું મોટરસાયકલ લઈને કોઈ કામસર ન્યૂ 150 ફીટ રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તેઓ જ્યારે રાધેક્રિષ્ના હોટલ નજીક પહોંચ્યા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે જેસલભાઈના મોટરસાયકલને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં જેસલભાઈને ગંભીર ઇજાઓ પહોચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બનાવને લઈ પરિવારમાં શોક છવાયો છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

