Rajkot,તા.25
રાજકોટ શહેરના જલજીત સોસાયટીમાં એક કૌટુંબિક હિંસા અને હુમલાનો મામલો સામે આવ્યો છે, જેમાં છુટાછેડાના કેસની અદાવત રાખીને પુત્રવધૂ અને તેના સાથીદારે ઘરમાં આવીને ભારે ધમાલ મચાવી હતી.ઘટના અંગે માલવીયાનગર પોલીસે ભોગ બનનાર વૃદ્ધાની ફરિયાદના આધારે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પોલીસ રેકોર્ડમાંથી મળતી વિગતો મુજબ, રાજકોટની જલજીત સોસાયટી શેરી નંબર 04, “ચામુંડા કૃપા” ખાતે રહેતા 61 વર્ષીય નિવૃત મહિલા રમાબેન હરેશભાઈ ગોહેલે માલવીયાનગર પોલીસ મથકે આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી છે. રમાબેનના જણાવ્યા અનુસાર, તેમના મોટા પુત્ર સચીન (ઉ.40) ના લગ્ન આજથી આશરે 17 વર્ષ પહેલા અમદાવાદ ખાતે રહેતી આરતીબેન દીપકભાઈ ભેડા સાથે થયા હતા.લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે, પરંતુ છેલ્લા બે વર્ષથી પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં પુત્રવધૂ આરતીબેન પોતાના પિયર અમદાવાદ ખાતે રહેવા ચાલ્યા ગયા હતા. ત્યારબાદ પુત્ર સચીને પત્ની સાથે વિખવાદ વધતા ફેમિલી કોર્ટમાં છુટાછેડા મેળવવા માટે અરજી કરી હતી, જેનો કેસ હાલ અદાલતમાં પડતર છે.
આ કોર્ટ કેસ અને કૌટુંબિક અદાવતનો ખાર રાખીને ગત તારીખ 22 મે 2026 ના રોજ સવારે સવા નવેક વાગ્યાની આસપાસ, પુત્રવધૂ આરતીબેન ભેડા અને તેમની સાથે પ્રકાશભાઈ સોજીત્રા નામનો અન્ય એક શખ્સ મોટરસાયકલ લઈને અચાનક રમાબેનના ઘરે ધસી આવ્યા હતા. ઘરમાં પ્રવેશતાની સાથે જ બંને આરોપીઓએ સચીન અને રમાબેન સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી શરૂૂ કરી દીધી હતી. જોતજોતામાં મામલો વધુ બિચક્યો હતો અને પ્રકાશભાઈ સોજીત્રાએ ઉશ્ર્કેરાઈને સચીનને જાહેરમાં બે-ત્રણ લાફા ઝીંકી દીધા હતા. પોતાના પુત્ર પર થઈ રહેલો હુમલો જોઈને માતા રમાબેન તેને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા, તે દરમિયાન આરોપી પ્રકાશભાઈએ રમાબેનને જોરદાર ધક્કો મારતા તેઓ જમીન પર પટકાઈ ગયા હતા અને જમણા હાથે ગંભીર ઈજા થઈ હતી.આ હુમલા અને હોબાળાને પગલે આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ જતાં પુત્રવધૂ આરતી ભેડા અને પ્રકાશ સોજીત્રા બાઈક પર સવાર થઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા.

