(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૫
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં કાર અને સીએનજી રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષાચાલક ઇજાગ્રસ્ત બન્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ધ્રોલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ ધ્રોલના પાણાખાણ વિસ્તાર ખાતે રહેતા અને ડ્રાઇવિંગ વ્યવસાય કરતા રજાકભાઈ નુરમામદભાઈ કમોરા (ઉ.વ. ૫૦) પોતાની સીએનજી રિક્ષા (રજી. નં. જીજે-૧૦-ટીડબલ્યુ-૭૫૪૦) લઈને ધ્રોલ ત્રિકોણબાગથી મુસાફરોને સગડીયા ગામે ઉતારી પરત ધ્રોલ આવી રહ્યા હતા.
તે દરમિયાન ૧૯ મે, ૨૦૨૬ના રોજ બપોરે આશરે સાડા બાર વાગ્યે સુધાધુના ગામથી જાયવા ગામ તરફ જવાના માર્ગ પર, જાયવા ગામની ગોળાઈ પાસે પહોંચતા સામેથી આવતી કાર (રજી. નં. જીજે-૦૩-એફકે-૩૯૧૦)ના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી રિક્ષાની જમણી બાજુએ જોરદાર ટક્કર મારી હતી.અકસ્માતના પગલે રિક્ષા પલટી મારી જતા રજાકભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને પેટ તેમજ કમરના ભાગે ઇજાઓ પહોંચી હતી.
આ બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકે કારચાલક સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૮૧, ૧૨૫(એ) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭ અને ૧૮૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરાએ નોંધાવી છે.

