Ahmedabad, તા.26
દેશમાં મોડા પહોંચ્યા બાદ અધવચ્ચે સ્થગીત થઇને નૈઋત્ય ચોમાસુ ફરી સક્રિય થઇ ગયું હોવા છતાં ગુજરાતમાં ભીમ અગિયારસ કોરી જતાં ખેડૂતોની ચિંતા વધવા લાગી છે. આવતા સપ્તાહમાં વરસાદ ન પડે તો કૃષિ ક્ષેત્રમાં બદલાવની ભીતિ વ્યક્ત થવા લાગી છે.
મુંબઇમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ ઝડપથી આગળ ધપી રહેલા ચોમાસાએ બે દિવસ પૂર્વે દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી હતી. જેને પગલે કિસાનોથી માંડીને આમ આદમી-સરકાર સુધી તમામ વર્ગે હાશકારો અનુભવ્યો હતો અને સાર્વત્રિક વરસાદની આશા બંધાઇ હતી.
નૈઋત્ય ચોમાસાનો સુરત સુધી પ્રવેશ થઇ ગયો હોવા છતાં બે દિવસ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં આગળ વધ્યું નથી કે સાર્વત્રિક વરસાદ પણ થયો નથી. પરિણામે ફરી વખત ચિંતાનો માહોલ સર્જાયો છે.
કૃષિ ક્ષેત્રમાં ભીમ અગીયારસને અત્યંત શુભ અને શુકનવંતી માનવામાં આવે છે. ભીમ અગીયારસે વાવણી કરી લેવાનો આશાવાદ હોય છે પરંતુ ગઇકાલે મેઘરાજાએ મહેર કરી નહતી. પવિત્ર દિવસ કોરો જ ગયાનું ચિત્ર ઉપસ્યું હતું. સારા વરસાદના આશાવાદે આગોતરા વાવેતર કરી નાખનારા કિસાનોમાં પણ હવે ચિંતાના વાદળો સર્જાવા લાગ્યા છે.
કૃષિ ક્ષેત્રના જાણકારોએ જણાવ્યું હતું કે હવે આવતા સપ્તાહ સુધીમાં વરસાદ ન થાય તો કૃષિ ચિત્ર બદલાઇ શકે છે. સામાન્ય રીતે 30 જુન સુધીમાં વરસાદ થઇ જાય તો ખેડૂતો મગફળીના પાકનું વાવેતર કરી લેતા હોય છે.
આ વખતે કદાચ 5 જુલાઇ સુધીમાં વરસાદ થાય તો પણ જોખમ લેશે. પરંતુ ત્યાં સુધીમાં સાર્વત્રિક વરસાદ ન વરસવાના સંજોગોમાં મગફળીના વાવેતરને મોટી અસર થઇ શકે છે. 90 દિવસમાં પાકતી મગફળીનું વાવેતર થઇ શકે એટલે મગફળીની જુદી-જુદી જાતના વાવેતરમાં ફેરફાર શક્ય છે. કપાસ, જુવાર, બાજરી, કઠોળ જેવી ચીજોના વાવેતરના ગણિત બદલાઇ શકે છે.
સૌરાષ્ટ્રને લાગે વળગે છે ત્યાં સુધી ખરિફ સિઝનનો મુક્ય પાક મગફળી અને કપાસ છે. અલનીનોને કારણે ચોમાસુ નબળુ રહેવાની અને સરેરાશ કરતાં 90 ટકા વરસાદ જ થવાની આગાહી હવામાન ખાતાએ અગાઉ જ કરી દીધી હતી પરંતુ તેના આગમન અને વરસાદમાં પણ વિલંબ થવાને કારણે ખેડૂતોમાં ચિંતા સતત વધવા લાગી છે.
કૃષિ નિષ્ણાંતોના કહેવા પ્રમાણે માસાંત સુધીમાં વરસાદ થઇ જવાના સંજોગોમાં મગફળીના વાવેતરને કોઇ ખાસ અસર નહીં થાય પરંતુ ત્યાર પછી એક-એક દિવસનો વિલંબ કૃષિક્ષેત્ર માટે મુશ્કેલી ઉભી કરનારો બનવા લાગશે અને વાવેતરના ગણિત બગડવા લાગશે. હાલ તૂર્તમાં તો મેઘમહેર ક્યારે થાય છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે.

