New Delhi, તા.26
મધ્ય પૂર્વના યુધ્ધ સહિતના વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે પણ બીન નિવાસી ભારતીયોએ નાણાં ઠાલવવાનું ચાલુ રાખ્યું હોય તેમ ગુજરાતની બેંકોમાં બીન નિવાસી ભારતીયોની થાપણો 1.18 લાખ કરોડના સ્તરે પહોંચી ગઇ છે.
સ્ટેટ લેવલ બેંકર્સ કમીટીના રિપોર્ટ પ્રમાણે નાણાંકીય વર્ષના અંતે ગુજરાતની બેંકોમાં બીન નિવાસી ભારતીયોની થાપણ 1.09 લાખ કરોડથી વધીને 1.18 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી છે જે એક વર્ષમાં 8.15 ટકાનો વધારો સુચવે છે.
નાણાંકીય વર્ષ 2020થી થાપણોનો પ્રવાહ સતત વધી રહ્યો છે અને આ ગાળામાં તેમાં 47 ટકાનો વધારો થયો છે. 2020માં ગુજરાતની બેંકોમાં બીન નિવાસી ભારતીયોની થાપણ 80109.29 કરોડ હતી. આટલા વર્ષમાં વૃધ્ધિ દર 18.16 ટકા હતો તે ગત વર્ષમાં ધીમો પડીને 8.15 ટકા હતો.
બેંકરોના કહેવા પ્રમાણે વૈશ્વિક પડકારો-અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીયો બચતના ભાગરૂપે ગુજરાતની બેંકોમાં નાણાં ઠાલવવાનું ચુક્તા નથી. ડોલર સામે રૂપિયાની નબળાઇને કારણે રૂપિયાના ઉંચા મૂલ્યને કારણે પણ તેઓમાં આકર્ષણ સર્જાતું રહ્યું હતું. અનેક બીન નિવાસી ભારતીયો ગુજરાતના રીયલ એસ્ટેટમાં પણ રોકાણ કરી રહ્યા છે. ભારતનું અર્થતંત્ર મજબૂત જ રહેવા વિશે તેઓને ભરોસો છે.
બેંકરોએ જો કે, એમ કહ્યું કે નાણાં વર્ષ દરમિયાન રૂપિયો 10.57 ટકા તૂટ્યો હતો. જ્યારે થાપણ 8.15 ટકા જ વધી છે. આવતા વર્ષે રૂપિયો 2.67 ટકા ઘસાયો હતો તેની સામે થાપણો 18.16 ટકા વધી હતી. આ હકિકત એવું સુચવે છે કે અનેકવિધ ઉદ્દેશ સાથે બીન નિવાસી ભારતીયોનો બેંકોમાંથી નાણાંનો ઉપાડ પણ વધી ગયો છે.
બેંકોમાં બીન નિવાસી ભારતીયોનો થાપણદર ધીમો પડ્યો તે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશ લેવલે છે. રિઝર્વ બેંકના રિપોર્ટ મુજબ ભારત તથા વિદેશોમાં વ્યાજ દરનો ગાળો નાનો થયો હોવાથી અસર થઇ હતી અને તે પછી બેંકે ડિપોઝીટ આકર્ષવા તાજેતરમાં પગલા ભર્યા હતાં.

