New Delhi, તા. 26
સરકારે રમકડાં, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE), એર કંડિશનર અને ફૂટવેર (બૂટ-ચંપલ) જેવી વસ્તુઓ બનાવતી કંપનીઓને મોટી રાહત આપી છે. ગુરુવારે મોડી રાત્રે બહાર પાડવામાં આવેલાં એક જાહેરનામા અનુસાર, હવે આ સાધનો બનાવતી કંપનીઓ માટે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરના કડક નિયમોનું પાલન કર્યા વગર પણ ગુણવત્તા જાળવી રાખવાનો એક વૈકલ્પિક એટલે કે સરળ રસ્તો ખોલવામાં આવ્યો છે, જેથી દેશનાં ઉત્પાદકોને મોટી રાહત મળશે.
આ નવી અને ઉદાર સ્કીમ એક વચગાળાની વ્યવસ્થા છે, જે કંપનીઓને કડક નિયમોનું સંપૂર્ણ પાલન કરવા માટે થોડો સમય આપશે. આ યોજના આગામી 5 વર્ષ સુધી ઉપલબ્ધ રહેશે. જો કે, આ સ્કીમ હેઠળ અપાતાં લાયસન્સ શરૂઆતમાં 2 વર્ષ માટે જ માન્ય રહેશે, જેને જરૂરિયાત મુજબ આગળ જતાં રિન્યુ કરાવી શકાશે. આ સુવિધા ફર્નિચર, વોશિંગ મશીન અને વોટર હીટર જેવાં 10 અલગ-અલગ ઔદ્યોગિક ક્ષેત્રોને મળવાપાત્ર રહેશે.
સરકારને એ વાતનો અહેસાસ થયો છે કે કડક ક્વોલિટી નિયમોનાં કારણે કંપનીઓનું ઉત્પાદન અટકી રહ્યું હતું અને કાચા માલ કે સ્પેરપાર્ટ્સની આયાતમાં મોડું થતું હતું. ભારતીય ઉદ્યોગો મોટાભાગે ચીનથી કાચો માલ મંગાવે છે.
અત્યાર સુધી વિદેશથી આવતાં માલ માટે ભારતીય ક્વોલિટી ધોરણો પૂરા કરવા ફરજિયાત હતા, પરંતુ હવે આ નવી `ટ્રાન્ઝિશન ફેસિલિટેશન ઓર્ડર, 2026′ હેઠળ કેટલીક શરતોને આધીન રહીને કંપનીઓને આયાતી માલનો ઉપયોગ કરવાની છૂટ મળશે.
આ નવી વ્યવસ્થા હેઠળ લાયસન્સ મેળવવા માટે કંપનીઓએ ઉઙઈંઈંઝ દ્વારા બનાવવામાં આવેલી એક ખાસ સમિતિ સમક્ષ અરજી કરવાની રહેશે. આ સમિતિ કંપનીની ટેકનિકલ ક્ષમતા, ભૂતકાળનો રેકોર્ડ અને ભારતમાં સપ્લાય ચેઈન મજબૂત કરવાના તેમનાં વચનોને જોઈને મંજૂરી આપશે.
અગાઉ નીતિ આયોગનાં સભ્ય રાજીવ ગૌબાની આગેવાની હેઠળની સમિતિએ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે કડક નિયમોનાં લીધે બિઝનેસ પર બોજ વધ્યો છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેનાં પછી સરકારે આ રાહત આપતો મોટો નિર્ણય કર્યો છે.

