New Delhi,તા.26
ટ્રાઈ દ્વારા આ વર્ષની પ્રથમ ત્રિમાસિક ગણતરીનો અહેવાલ જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, દેશમાં ડિજિટલ કનેક્ટિવિટીની સ્થિતિ સતત મજબૂત બની રહી છે. અહેવાલની વિગતો દર્શાવે છે.
કે દેશમાં કુલ ટેલિફોન ગ્રાહકોની એટલે કે મોબાઈલ અને ફિક્સ લાઈનની સંખ્યા વધીને હવે 133.05 કરોડ સુધી પહોંચી ગઈ છે. ડિસેમ્બર 2025ની સરખામણીએ માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં દેશમાં 2.44 કરોડ નવા ગ્રાહકો ઉમેરાયા છે. આ સાથે જ દેશની ટેલી-ડેન્સિટી એટલે કે ટેલિફોનનું વિસ્તરણ પણ વધીને 93.26 ટકાના સ્તરે પહોંચી ગયું છે.
ડેટા અને કોલિંગના વપરાશમાં મોટો ઉછાળો :-
ટ્રાઈના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ટેલિકોમ સેવાઓના ઉપયોગનાં સ્તરમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. વર્તમાન આંકડા મુજબ, દેશમાં એક વાયરલેસ ગ્રાહક સરેરાશ દર મહિને 1017 મિનિટ ફોન પર વાતચીત કરી રહ્યો છે.
જ્યારે ડેટા વપરાશની વાત કરીએ તો, પ્રતિ ગ્રાહક માસિક સરેરાશ ડેટા વપરાશ 26.70 જીબી પર પહોંચી ગયો છે. અગાઉનાં વર્ષનાં છેલ્લા ક્વાર્ટર ઓક્ટોબર-ડિસેમ્બર 2025માં સરેરાશ માસિક વપરાશ 25.70 જીબી હતો, જેમાં હવે વધારો થયો છે.
આ ઉપરાંત, ટ્રાઈના વાર્ષિક અહેવાલ મુજબ વર્ષ 2024-25માં સરેરાશ માસિક ડેટા વપરાશ 21.53 જીબી હતો, જે દર્શાવે છે કે એક વર્ષનાં ગાળામાં ઇન્ટરનેટ ડેટાના ઉપયોગમાં મોટો ઉછાળો આવ્યો છે.
વાયરલેસ સેવાઓમાંથી મળતી સરેરાશ માસિક આવક પણ વધીને પ્રતિ ઉપભોક્તા 196.04 રૂપિયા થઈ ગઈ છે, જે જાન્યુઆરીથી માર્ચ 2026ના ક્વાર્ટરમાં 0.76 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
ડીટીએચ પર દબાણ અને એફએમ રેડિયોનો વિસ્તાર :-
બદલાતાં સમય સાથે મનોરંજનના સાધનોની પસંદગીમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, પેડ (પૈસા ચૂકવીને જોવાતા) ડીટીએચ ગ્રાહકોની સંખ્યા પર દબાણ જોવા મળ્યું છે.
અને તે ઘટીને 4.90 કરોડ થઈ ગઈ છે, જે અગાઉનાં ક્વાર્ટરમાં 5.09 કરોડ હતી. બીજી તરફ, ખાનગી એફએમ રેડિયો ચેનલોનો વ્યાપ વધ્યો છે અને માર્ચ મહિના સુધીમાં દેશમાં તેની સંખ્યા વધીને 390 પર પહોંચી ગઈ છે, જેમાં 564 કમ્યુનિટી રેડિયો સ્ટેશનોનો પણ સમાવેશ થાય છે.
ટેલિકોમ માર્કેટના મહત્વનાં આંકડા
દૂરસંચાર ક્ષેત્રની કુલ આવક :-
* ગ્રોસ રેવન્યુ : 1,05,118 કરોડ રૂપિયા
* સમાયોજિત ગ્રોસ રેવન્યુ : 86,716 કરોડ રૂપિયા
મોબાઈલ ગ્રાહકોની સ્થિતિ
* કુલ ઉપભોક્તા (મોબાઈલ અને ફિક્સ વાયરલેસ એક્સેસ): 128.23 કરોડ
* માત્ર મોબાઈલ કનેક્શન ધરાવતાં ગ્રાહકો: 126.57 કરોડ
* નવા જોડાણો (જાન્યુઆરી-માર્ચ દરમિયાન ઉમેરાયેલા): 2.15 કરોડ

